Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આત્‍મનિર્ભર બનાવતી વાજપેયી બેંકેબલ યોજના બંધ

૨૦ થી ૪૦ ટકા સહાય મળતી યોજનામાં અરજદારો મોટી સંખ્‍યામાં હોઇ વ્‍યાપક નિરાશા : લોકોને આત્‍મનિર્ભર બનાવતી યોજના એક વર્ષથી બંધ, સેંકડો લોકો બેરોજગાર બન્‍યા

સુરત,તા. ૧૫ : કોરોનાને કારણે ધંધા-રોજગાર પર વિપરીત અસર પડી છે. અનેક લોકોની નોકરીઓ છૂટી ગઇ છે. તેની સાથે સરકારે ગરીબ અને મધ્‍યમવર્ગના લોકોને આત્‍મનિર્ભર થવામાં મદદ કરતી વાજપેયી બેંકેબલ યોજના બંધ કરી દીધી છે. ગત તા. ૧ જૂન, ૨૦૨૦થી યોજના બંધ હોવાથી લોકો બહુમાળીમાં આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના ધરમધક્કા ખાઇ રહ્યા છે. લોકોને આત્‍મનિર્ભર બનાવતી યોજના એક વર્ષથી બંધ હોઇ સેંકડો લોકો બેરોજગાર બન્‍યા છે.

સરકારે આત્‍મનિર્ભર ભારતની મોટી- મોટી વાતો કરે છે. જાહેરાતોમાં મસમોટા સરકારી દાવાઓ કરવામાં આવે છે. જયારે જમીની હકીકત સાવ વિપરીત છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્‍યમવર્ગના લોકોને સ્‍વરોજગારી માટે વર્ષ ૨૦૦૦થી વાજપેયી બેંકેબલ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ૧૮થી ૬પ વર્ષની ઉમરના લોકો સસ્‍તા વ્‍યાજદરે લોન આપવામાં આવતાં હતા. લાનના રકમ પર સબસિડી પણ આપવામાં આવતી હતી. ચાર પાસથી વધુ ભણેલા અરજદારો અરજી કરી શકતા હતા. ઇન્‍ડસ્‍ટ્રિયલ પ્રમોશન ઓફિસર નવનીત ગાવિતે જણાવ્‍યું હતું કે યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર કરવા માટે મહત્તમ રૂ. ૮ લાખ સુધીની લોન મળતી હતી. ઉદ્યોગમાં રૂા. ૧.૨૫ લાખ, સેવામાં રૂા. ૧ લાખ અને વેપારમાં રૂ. ૮૦,૦૦૦ સુધીની મહત્તમ સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી. ગ્રામ્‍ય વિસ્‍તારમાં જનરલ કેટેગરીમાં રપ ટકા અને અનામત કેટેગરીમાં ૪૦ ટકા સુધી અને શહેરી વિસ્‍તારમાં અનુક્રમે ર૦ અને ૩૦ ટકા સહાય મળતી હતી. સેંકડો લોકો યોજનાનો લાભ લેતા હતા, પરંતુ, બાદમાં તા. ૧-૬-૨૦૨૦થી યોજના અચાનક બંધ કરી દેવામાં આવી હતી. તેથી, અનેક અરજદારો અટવાઇ ગયા હતા. યોજનાનો લાભ લેવા માટે સેંકડો લોકો જિલ્લા ઉધોગ કેન્‍દ્રમાં આવતા હતા, પરંતુ, યોજના સરકારે બંધ કરી દેતા નિરાશ થઇને પરત જતા હતા. સરકારે અચાનક યોજના બંધ કરતા પોતાનો વ્‍યવસાય શરૂ કરવા માંગતા અનેક અરજદારો અટવાઇ ગયા છે.

લોકડાઉન બાદ ખરા સમયે યોજના બંધ થઇ

લોકડાઉન એક બાદ જયારે લોકોને યોજનાની મહત્તમ જરૂરિયાત હતી ત્‍યારે યોજના બંધ કરવામાં આવી હતી. લોકડાઉનમાં સેંકડો લોકોની નોકરીઓ છૂટી ગઇ હતી. તેથી. તેઓ નાનોમોટો વ્‍યવસાય કરીને આત્‍મનિર્ભર બનવા માંગતા હતાં, પરંતુ. અચાનક યોજના બંધ થતા તેઓ નિરાશ થયા હતા. લોકડાઉન બાદ સરકારે આત્‍મનિર્ભર ભારત યોજના શરૂ કરી હતી. બીજી બાજુ લોકોને આત્‍મનિર્ભર કરતી યોજનાને તાળુ મારી દીધું હતું.

યોજના બંધ થઇ હોવાની નોટિસ ચોંટાડાઇ

વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે સેંકડો લોકો જિલ્લા ઉધોગ કેન્‍દ્ર પર આવતા હતા. લોકોની પુછપરછથી કર્મચારીઓ કંટાળી ગયા હતા. તેથી, યોજના બંધ થઇ હોવાનો પત્ર નોટિસબોર્ડ પર મારવામાં આવ્‍યો છે.

વાજપેયી બેંકેબલ યોજનાના લાભાર્થી-અરજદારની સંખ્‍યા

વર્ષ         અરજી

૨૦૧૭-૧૮  ૪,૬૮૬

૨૦૧૮-૧૯  ૩,૦૯૫

૨૦૧૯-૨૦  ૩,૮૨૭

૨૦૨૦-૨૧     શૂન્‍ય

(10:49 am IST)