Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી

જિલ્લા તથા તાલુકા મથકોએ આવેદનપત્ર અપાયા : ના છૂટકે આગામી સમયમાં સરકાર સમક્ષ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ચીમકી

અમદાવાદ :સરકાર દ્વારા એક પછી એક ઉદ્યોગોને છૂટછાટ તેમજ દુકાનોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી કલાસીસ સંચાલકોના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશન, ગુજરાત તથા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ માંગણી કરતાં આવેદનપત્ર ગુજરાતના જિલ્લા તથા તાલુકા મથકોએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જો સરકાર દ્વારા સત્વરે કલાસીસ ચાલુ કરવા પરમીશન નહીં આપે તો અમારે ના છૂટકે આગામી સમયમાં સરકાર સમક્ષ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ફરજ પડશે.

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશન, ગુજરાત તથા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધારે કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જેની સાથે 15 લાખથી વધારે શિક્ષકોના પરિવારો જોડાયેલા છે. ક્લાસીસ બંધ હોવાના કારણે આ 15 લાખ પરિવારોને ઘર ખર્ચથી માંડીને ઘર અને કલાસીસનું ભાડું, લોનના હપ્તા વગેરે ચુકવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

અગાઉ પણ વિવિધ માધ્યમો જેવા કે 15000 ટ્વીટ, 16000 ઈ-મેઈલ, દરેક શહેરમાં મૌન રેલી, વિગેરે દ્વારા સરકારને તકલીફોથી વાકેફ કરવામાં આવ્યા હતા, પણ તેનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં છેવટે ના છૂટકે આજરોજ સોમવારે 14 જૂનના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, સહિત સમગ્ર ગુજરાતમાં આવેદન પત્ર આપવામાં આવેલ હતું. સાથે સાથે સરકારને ઓનલાઇન કોચિંગમાં બોર્ડના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે પણ અવગત કરાવવામાં આવ્યા હતા.

આ અંગે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના મીડિયા એડવાઇઝર અને ઉપ પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, “જે પ્રમાણે સરકાર વોટર પાર્ક, હોટેલ અને રેસ્ટોરન્ટના મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરે છે તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આવેલા કલાસીસના મ્યુનિસિપલ ટેક્સ તથા પ્રોફેશનલ ટેક્સ માફ કરવા જોઈએ અને સાથે સાથે ક્લાસીસમાં ભણાવવા આવતા શિક્ષકોને કેશડોલની પણ સહાય આપવી જોઈએ.”

FAA ના પ્રમુખ વિજય મારુએ જણાવ્યું છે કે, “આગામી દિવસોમાં ગુજરાતના 182 ધારાસભ્યોને પણ અમારા સભ્યો મળશે અને કલાસીસ સંચાલકોની દયનિય પરિસ્થિતિનો ચિતાર આપશે.”

જયારે જનરલ સેક્રેટરી પ્રકાશ કરમચંદાની જણાવ્યું હતું કે, “અમારા ક્લાસીસ સત્વરે ચાલુ કરવા માટે પરમિશન આપવી જોઈએ અને જો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સરકાર સમક્ષ આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવામાં આવશે.”

(12:20 am IST)