Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કસ્ટોડિયલ ડેથ : આરોપી PSI તેમજ કોન્સ્ટેબલ રિમાન્ડ ઉપર

સુરત કોર્ટે બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : પોલીસ કર્મીના ચહેરા ન દેખાય તે રીતના રૂમાલના માસ્ક પહેરાવી કોર્ટમાં રજૂ કરાયા : રિમાન્ડ અરજી મંજુર કરાઇ

અમદાવાદ,તા.૧૫ : રાજયભરમાં ખળભળાટ જગાવનારા સુરતના ખટોદરા પોલીસમથક કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર સાત પોલીસકર્મીઓ પૈકી પીએસઆઈ ચિરાગ ચૌધરી અને એક કોન્સ્ટેબલ હરેશ ગઇકાલે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા બાદ પોલીસે આજે આ બંને આરોપી પોલીસ કર્મચારીઓને સુરત કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઇમબ્રાંચે આરોપી પીએસઆઇ ચિરાગ ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે, કોર્ટે બંને આરોપી પોલીસ કર્મચારીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના તા.૧૭મી જૂનના સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં સુરત પોલીસે ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં હજુ છ આરોપી ફરાર છે. ગઇકાલે સુરત ક્રાઇમબ્રાંચ સમક્ષ નાટયાત્મક રીતે શરણાગતિ સ્વીકારનારા આરોપી પીએસઆઇ ચિરાગ ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશને તેઓના ચહેરા ના દેખાય તે રીતના રૂમાલના માસ્ક પહેરાવી પોલીસે આજે તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.  પોલીસે ગુનો આચર્યા બાદ આરોપીઓ આટલા દિવસ ક્યાં ક્યાં ભાગતા ફરતા હતા અને કોના સહયોગથી ફરતા હતા તે તપાસનો વિષય હોવાથી સાત દિવસના રિમાન્ડનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. ખટોદરા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ વખતથી જ આરોપીને ભાગી ગયા ત્યારથી જ સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં આવી હતી ત્યારે આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરતી વખતે અને બહાર કાઢતી વખતે આરોપીઓ કેમેરામાં કેદ ન થઈ જાય અને ચહેરા સ્પષ્ટ ન દેખાય તેની તકેદારી રાખવામાં આવી હતી. સામાન્ય આરોપીઓ રૂમાલ આડે મોં સંતાડતા હોય છે જ્યારે આ આરોપી પોલીસકર્મીઓને ખાસ રૂમાલ બંધાયેલા હતા, જે તડકાથી બચવા લોકો બાઈક પર પહેરે તેવા સફેદ રૂમાલમાંથી આરોપીઓની માત્ર આંખો જ દેખાતી અને ચહેરો છુપાઈ જાય તેવી વ્યવસ્થા કરવા દેવાઈ કે કરાઈ તેને લઈને ચર્ચાએ કોર્ટ પરિસરમાં જોર પકડ્યું હતું.

(9:21 pm IST)