Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વસ્ત્રાલ રિંગરોડ પર ટ્રકની ટક્કરથી વિદ્યાર્થિનીનું મૃત્યુ

ડ્રાઈવર ફરાર, આક્રોશિત લોકોનો પથ્થરમારો : મૃતક વિદ્યાર્થિની આરએએફ જવાનની એકની એક પુત્રી હતી : લોકોનો આક્રોશ જોઇને તંત્રએ સ્પીડ બ્રેકર બનાવ્યા

અમદાવાદ, તા.૧૫ : એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક મોટા ટ્રેલરની અડફેટે સાઇકલ પર જઇ રહેલી દસ વર્ષીય વિદ્યાર્થિનીનું કરૂણ મોત નીપજ્તાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. સાઇકલસવાર વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને ટ્રેલરચાલક પર ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ ચાર રસ્તા પર બમ્પ કે સ્પીડબ્રેકરની માંગણી છતાં તે નહી હોવાથી વારંવાર સર્જાતા આવા ગમખ્વાર અક્સ્માતોને લઇ આજે સ્થાનિક બહુ રોષે ભરાયા હતા અને એક તબક્કે ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસને પણ લોકોનો આક્રોશ શાંત પાડવામાં ભારે જહેમત કરવી પડી હતી. જો કે, પબ્લીકનો આક્રોશ જોઇ પોલીસે સ્થાનિક તંત્રની મદદથી તાત્કાલિક આ સ્થળ પર સ્પીડ બ્રેકર-બમ્પ બનાવડાવ્યા હતા અને લોકોને યોગ્ય હૈયાધારણ આપતાં મામલો થાળે પડયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક વિદ્યાર્થીની સાયકલ પર જઇ રહી હતી ત્યારે એક મોટા ટ્રેલરના ટ્રકચાલકે દસ વર્ષની આ સાઇકલસવાર વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તે ટ્રક નીચે આવી ગઇ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જી માસૂમ બાળકીને ટ્રક નીચે કચડયા બાદ પણ આરોપી ટ્રકચાલક ટ્રક હંકારતો જ રહ્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજીબાજુ, વિદ્યાર્થીનીના મોતને લઇ ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા. વિદ્યાર્થીનીના મોતના સમાચાર જાણી સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. મૃતક વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું અને રેપીડ એકશન ફોર્સના જવાનની એકની એક પુત્ર હોવાનું સામે આવ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો પણ કર્યો હતો. અકસ્માત બાદ રોડ પર સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા. રોષે ભરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કરી એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો હતો. વારંવારના અક્સ્માતો અને મોત છતાં તંત્ર દ્વારા અહીં બમ્પ કે સ્પીડ બ્રેકર બનાવવાની સ્થાનિકોની માંગણી ધ્યાને લેતું નહી આજના અક્સ્માત બાદ લોકો રીતસરના વિફર્યા હતા. એક તબક્કે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને લોકોનો આક્રોશ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પબ્લીકનો રોષ જોરદાર હતો, છેવટે પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજી તંત્રની મદદથી તાત્કાલિક આ સ્થળ પર બમ્પ-સ્પીડ બ્રેકર બનાવડાવ્યા હતા અને મામલો થાળે પાડયો હતો. પોલીસે આરોપી ટ્રેલરચાલકની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા હતા.

(9:20 pm IST)