Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ હજુપણ જારી

ગુજરાતના ૩૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : મહેસાણા, કલોલ, કડી અને ગોધરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ : સુત્રપાડામાં ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ

અમદાવાદ,તા.૧૫ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદનો દોર આજે જારી રહ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે દિવસ દરમિયાન કડી, કલોલ, ગોધરામાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. પાટણમાં પણ ભારે વરસાદ થયો છે. એકંદરે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. આજે રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.  ભારે વરસાદના પરિણામ સ્વરુપે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. ચેકડેમ છલકાયા હતા. નદીઓમાં પણ પાણીની આવક વધી છે. રાજયમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૨૨ મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં ૧૦૮ મી.મી, તાલાળામાં ૧૦૨ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૫ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન માંગરોળ તાલુકામાં ૯૬ મી.મી અને કોડીનાર તાલુકામાં ૮૧ મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં ૬૨મી.મી,માળિયામાં ૬૧ મી.મી. ભેસાણમાં ૫૦ મી.મી., મેંદરડામાં ૪૯ મી.મી, જૂનાગઢ તાલકો અને  જૂનાગઢ શહેરમાં  ૪૮ મી.મી. મળી કુલ  છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત સાવરકુંડલા, કેશોદ, ખાંભા, વિસાવદર, વંથલી, ભાવનગર ધોરાજી, તળાજા, માણાવદર અને બાબરા મળી કુલ દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે અન્ય દસ તાલુકાઓમાં અડધો ઇંચ  કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

વધુ વરસાદ ક્યાં........

અમદાવાદ, તા. ૧૫ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો છે. ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ......................................... વરસાદ (મીમીમાં)

સુત્રપાડા....................................................... ૧૨૨

વેરાવળ........................................................ ૧૦૮

તળાળા......................................................... ૧૦૨

માંગરોળ......................................................... ૮૨

કોડીનાર.......................................................... ૮૧

કુતિયાણા......................................................... ૬૨

માલિયા........................................................... ૬૧

(8:23 pm IST)