Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

૧૭મીએ પોરબંદર-દ્વારકામાં અને ૧૮મીએ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં વાયુ વાવાઝોડાના કારણે વરસાદ પડશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે માહિતી આપતા કહ્યું કે, વાયુ હજી પણ ગંભીર છે. તે પોરબંદરથી 260 કિલોમીટર અને દીવથી 360 કિલોમીટર દૂર છે. જોકે, તેની સિસ્ટમ નબળી પડી રહી છે. જ્યારે તે કચ્છ સુધી પહોંચશે ત્યારે તે ડિપ્રેશનમાં ફેરવાશે. 17મી જૂનની આસપાસ કચ્છમા સારો વરસાદ આપશે. 18મીના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો અન્ય વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ જશે. કચ્છ ક્રોસ કરવા આવશે તો પવનની ગતિ વધુ નહિ રહે. કોઈ નુકશાની પણ નહિ થાય. સૌરાષ્ટ્ર જ નહિ, વાયુને કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે.

17મી એ વરસાદ પડશે

તેમણે કહ્યું કે, વાયુ વાવાઝોડામાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. આજે વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ 17મી જૂનના રોજ દરિયા કિનારાના પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસે પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક રહી સકે છે. તો 18મી જૂનના રોજ સાબરકાંઠા, બનાસકાઠા અને ઉત્તર ગુજરાતમાં વાયુને કારણે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદની આગાહી છે. વાયુનો ખતરો હાલ ટળી ગયો છે અને તે ગુજરાત માટે ફાયદાકારક સાબિત થયું છે. જોકે, વાયુની સ્થિતિ હજુ પણ સિવિયર છે, હજુ પણ વાયુની અસર ગુજરાતમાં રહેશે. વાયુની અસર કચ્છમાં રહેશે અને આવનારી 18 તારીખે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 

અમદાવાદમાં વરસાદ પડ્યો

આજે અમદાવાદમાં મેઘરાજા વરસ્યો છે. આજે અમદાવાદના બાપુનગર, સરસપુર, રખિયાલ, મણિનગર, ઇસનપુર, નારોલ, ઘોડાસર, ઓઢવ, નિકોલ, નરોડા અને મેઘાણીનગર, અસારવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હાલ પણ વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે.

(4:59 pm IST)