Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની નવી દિલ્હીમાં : કેન્દ્રીય કૃષિમંત્રી સાથેની બેઠકમાં રાજયની કિસાન હિતકારી બાબતો અંગે ફળદાયી પરામર્શ : કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોતમભાઈ રૂપાલા – કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુની ઉપસ્થિતી

રાયડાની ટેકાના ભાવે ખરીદી ૩૦ જૂન સુધી લંબાવવામાં આવશે : રાજ્ય સરકારની કૃષિ વિષયક પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની ખાતરી : સહકારી-રાષ્ટ્રીયકૃત બેન્કોને ઇન્ટરેસ્ટ સબવેન્શન ચુકવણી ત્વરાએ કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય પ્રતિબધ્ધ : ખેત ઉત્પાદન વૃધ્ધિ-ખેડૂતોની આવક સુધારણા માટે કૃષિ કલ્યાણ વધુ સુદ્રઢ બનાવવા કેન્દ્ર-રાજ્ય સંયુકતપણે પગલાં લેશે

ગાંધીનગર :મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. 

તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા આ બેઠકમાં હાથ ધરી હતી. 

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમાં કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુ અને મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ મંત્રીને મળ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના કિસાનોની પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી સાથે ચર્ચાઓ કરી હતી. 

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી સાથેની આ બેઠકમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના ૩૦ જૂન ર૦૧૯ સુધી લંબાવવામાં આવશે. 

કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપી દેવાશે.  

ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ  નિર્ણય કર્યો છે.

ખેત ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક સુધારણા માટે તેમજ કૃષિ કલ્યાણને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંયુકતપણે પગલાં લેશે તે બાબતો પણ આ બેઠકમાં ફોકસ કરવામાં આવી હતી. 

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, કૃષિના અધિક મુખ્ય સચિવ શ્રી સંજ્ય પ્રસાદ, કૃષિ નિયામક શ્રી ભરત મોદી સહિત કૃષિના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. 

આ બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીએ નવનિયુકત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલાની પણ તેમના કાર્યાલયમાં જઇને સૌજન્ય મૂલાકાત કરી હતી.

 

(4:01 pm IST)