Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગુજરાતે 'વાયુ' વાવાઝોડાના સામના માટે 'ઓડિશા' મોડેલ અપનાવતા વાહ વાહ

દોઢ મહિના પહેલા પટનાયક સરકારે કરેલી તૈયારીનો રૂપાણી સરકારે અભ્યાસ કર્યો

રાજકોટ, તા. ૧૫ :. રાજ્ય સરકારે વાયુ વાવાઝોડાના સામના માટે જે પૂર્વ તૈયારી કરી વાહ-વાહ મેળવી છે તેના મૂળમાં ઓડીશા મોડેલ હોવાનું બહાર આવેલ છે. ગુજરાતના સદનસીબે વાવાઝોડુ ત્રાટકયુ નથી પરંતુ તેના સામના માટે સરકારે કરેલી પૂર્વ તૈયારી ઉદાહરણરૂપ બની છે. દોઢ મહિના પહેલા ઓડીશામાં 'ફની' નામનું વાવાઝોડુ આવેલ. તે વખતે નવિન પટનાયકની સરકારે બચાવ અને રાહત માટે લીધેલા પગલાનો ગુજરાત સરકારે અભ્યાસ કરી મહદઅંશે તેનો અમલ કરેલ. તેના પરિણામ સ્વરૂપે સરકાર સંપૂર્ણ સજાગ હોવાની છાપ પડી છે.

ઓડીશામાં વાવાઝોડુ આવ્યુ તે પૂર્વે ત્યાંની રાજ્ય સરકારે હવામાન વિભાગ તેમજ કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહી આગોતરી વ્યવસ્થા ગોઠવેલ. સરકારની સતર્કતાને કારણે ઓડીશાનું વાવાઝોડુ બહુ ઓછું નુકશાનકર્તા નિવડેલ તેની ખુદ વડાપ્રધાને જાહેરમાં નોંધ લીધી હતી. ગુજરાત સરકારે વાવાઝોડા પૂર્વેના દિવસોમાં ત્રણેક લાખો લોકોનું સ્થળાંતર કરાવેલ. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફ અને લશ્કરની સેવા તૈયાર રાખવામાં આવેલ. ફુડ પેકેટ, વિજળી, પીવાનું પાણી, માર્ગની મરામત વગેરે બાબતે સરકારે અનુભવી ટુકડીઓ કામે લગાડેલ. સિનીયર અધિકારીઓ અને પદાધિકારીઓને જે તે ક્ષેત્રમાં મોકલી દેવામાં આવ્યા હતા. પ્રચાર-પ્રસારના સાધનોનો સરકારની કામગીરીની માહીતી લોકો સુધી પહોંચાડવા અને જનજાગૃતિ માટે ઉપયોગ કરવામાં આવેલ. રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર હોવાથી ગુજરાત માટે વધુ અનુકુળતા સર્જાયેલ. જો વાવાઝોડુ આવ્યુ હોત તો પણ સરકાર ઉંઘતી ન ઝડપાઈ જાય તે પ્રકારના પગલા લેવામાં આવેલ. ઓડીશા સરકારે કુદરતી આફત સામે બાથ ભીડવા જે કાર્યવાહી કરેલ તેમાંની ઘણી ખરી કાર્યવાહીનું ગુજરાત સરકારે અનુકરણ કર્યુ છે. રાજ્ય સરકારની આગોતરી વ્યવસ્થાની સફળતામાં ઓડીશા મોડેલે મહત્વનો ભાગ ભજવ્યાનું વહીવટી તંત્રના વર્તુળો જણાવે છે.

(3:54 pm IST)