Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સુરત અગ્નિકાંડનો બોધપાઠ : અમદાવાદ ફાયર બ્રિગેડ વસાવાશે અત્યાધુનિક રોબેટિક સિસ્ટમ વાળું શેષનાગ : દેશભરમાં સૌપ્રથમ

ગજરાજ બાદ હવે શેષનાગની ખરીદી કરાશે : થર્મલ કેમેરાથી સજ્જ શેષનાગ કોઇ પણ જગ્યા પર પહોંચી કોઇ પણ પ્રકારની આગને બુઝાવી શકશે.

અમદાવાદ :સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં થયેલી આગની દુર્ઘટનામાં માસૂમ બાળકોનાં મોત થતાં સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ પાસે કેટલાંક અદ્યતન સાધનો નહીં હોવાથી તેમની કામગીરી પર સવાલો ઊભા થયા છે ત્યારે અમદાવાદમાં આ પ્રકારની હોનારત થાય તો તેને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ સજ્જ છે.

  અમદાવાદ ફાયર બ્રિગેડ દેશમાં પહેલી વખત રોબો‌િટક સિસ્ટમ વસાવવા જઇ રહ્યું છે, જે કોઇ પણ જગ્યાએ જઇને ભીષણ આગને બુઝાવી શકશે. તેનું નામ શેષનાગ રાખવામાં આવ્યું છે. થર્મલ કેમેરાથી સજ્જ આ શેષનાગ કોઇ પણ જગ્યા પર પહોંચી જઇને કોઇ પણ પ્રકારની આગને બુઝાવી શકશે. શહેરમાં આગની નાની-મોટી ઘટનાઓ દર એકાદ-બે દિવસે બનતી હોય છે, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ સજ્જ છે. ફાયર બ્રિગેડ આગ ઝડપથી બુઝાય તે માટે નવાં નવાં સાધનો વસાવી રહી છે. ફાયર બ્રિગેડ પાસે પહેલાં દસ હજાર લિટરના ટેન્કર હતા જ્યારે આજે ર૦ હજાર લિટરના ટેન્કર છે.

  આ ર૦ હજાર લિટરના ટેન્કરને ગજરાજ નામ આપવામાં આવ્યુ છે. હાલ ફાયર બ્રિગેડ પાસે ૯ ગજરાજ છે જ્યારે વધુ સાત ગજરાજ મંગાવી રહ્યા છે. આ ગજરાજ ભીષણ આગને કાબૂમાં લેવા માટે મહત્ત્વની સા‌િબત થઇ છે. ગજરાજ એક મિનિટમાં ૪૦૦ લિટર પાણી ફેંકે છે.

ગજરાજ બાદ હવે ફાયર બ્રિગેડ શેષનાગની ખરીદી કરી રહ્યું છે, જેને હાઇ પ્રેશર મિસ્ટ વોટર ટેન્ડર કહેવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત અમદાવાદ ફાયર બ્રિગેડ સવા ત્રણ કરોડના ખર્ચે શેષનાગ ખરીદી રહ્યું છે. પાંચ ફૂટ લાંબો અને ત્રણ ફૂટ પહોળો આ શેષનાગ થર્મલ કેમેરાથી સજ્જ છે, જેને કોઇ પણ ગલી, સાંકડી શેરી કે પછી કોઇ પણ જગ્યાએ આસાનીથી લઇ જઇ શકાશે. ફાયર બ્રિગેડના જવાનો રિમોટ કંટ્રોલ દ્વારા શેષનાગને કંટ્રોલ કરશે.

  ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે જણાવ્યું છે કે થર્મલ કેમેરાથી સજ્જ શેષનાગ એટલે ખાસ છે કે તે કોઇ પણ જગ્યાએ આરામથી જઇ શકે છે. જ્યાં આગ લાગી હોય તેના ૬૦ થી ૭૦ મીટરના અંતરે પાણીનું ટેન્કર કે ગજરાજ ઊભું કરવામાં આવશે. ત્યારબાદ પાણીની પાઇપને શેષનાગ સાથે લગાવવામાં આવશે અને પછી રિમોટ કંટ્રોલ દ્વારા તેને ઓપરેટ કરીને આગની જગ્યા પર મોકલવામાં આવશે.

  શેષનાગમાં થર્મલ કેમેરા લગાવેલો હોવાથી આગનું લાઇવ રિમોટ કે સ્ક્રીન પર જોઇ શકાશે, જેના આધારે આગ પર પાણીનો મારો ચલાવવામાં આવશે. હાઇપ્રેશર મિસ્ટ વોટર ટેન્ડરને શેષનાગ નામ એટલે આપવામાં આવ્યું છે તેમાંથી એકસાથે પાણીના પાંચ ફુવારા છૂટશે.

  શેષનાગ એક મિનિટમાં ૩૦૦ લિટર પાણી છોડશે અને ચાર કલાક સુધી તે કામ કરી શકશે. ગરમ ધુમાડો પણ શેષનાગનું કશું જ બગાડી નહીં શકે, કારણ કે આ રોબોટ પર નાના-નાના ફુવારા મૂકવામાં આવ્યા છે, જેમાંથી નીકળતો પાણીનો ભેજ તેનું રક્ષણ કરશે. ૬ ટાયર પર બનેલ આ રોબોટ કોઇ પણ જગ્યા કે ઊંચાણવાળી જગ્યા ઉપર પણ જઇ શકશે.

  આ શેષનાગ પર થર્મલ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં ફાયર બ્રિગેડના જવાનો વાતાવરણના હીટ લોસને ડિટેક્ટ કરી શકશે તેમજ ઘોર અંધારામાં પણ દરવાજા-બારી જેવા સ્થાન કે જ્યાંથી હવા અંદર આવતી-જતી હોય અથવા ઓવર હીટિંગ થતાં ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસને પણ ડિટેક્ટ કરી શકશે. હાલ અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે પાંચ થર્મલ કેમેરા ધરાવતા સ્માર્ટ ફોન છે, પરંતુ હવે આ કેમેરા શેષનાગ ઉપર પણ લાગશે. ચાર ફૂટ સુધીના કોઇ પણ રસ્તામાં શેષનાગ આસાનીથી જશે.

(1:18 pm IST)