Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વડોદરામાં ગુજરાત વ્યાપી સટ્ટાના નેટવર્કનો પર્દાફાશઃ દેશના જાણીતા મેહુલ એમબીએ સહીત અડધો ડઝન સકંજામાં

દોઢ ડઝન ઇન્ટરનેટની લાઇનો ઉપયોગમાં લેવાતી હતીઃ બીએમડબલ્યુ અને સટ્ટાના સાધનો સહિત લાખો રૂપીયાનો મુદામાલ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં પીસીબી દ્વારા કબ્જે : ગુજરાતના વિવિધ શહેરો માટેની જવાબદારીઓ સુપ્રત કરેલઃ કરોડોના સટ્ટાનો હિસાબ રાખવા માટે ખાસ એકાઉન્ટન્ટની પણ મુંબઇના કુવિખ્યાત બુકી મેહુલ જૈને નિમણુંક કરેલી

રાજકોટ, તા., ૧૫: વડોદરા શહેરમાં  નેટવર્ક સ્થાપી ગુજરાતભરમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ધમધમાવવા દેશના કુવિખ્યાત એવા મુંબઇના બુકી મેહુલ જૈન અને તેના સાગ્રીતો દ્વારા સટ્ટો રમાડાય રહયાની ચોક્કસ બાતમીના આધારે વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પીસીબી ટીમે અડધો ડઝન શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો ખુલવા પામી છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં અલગથી શહેરવાઇઝ સટ્ટો લેવા માટે અલગ-અલગ વ્યકિતઓ નિયુકત કરવામાં આવેલ. કરોડો રૂપીયાનો હિસાબ રાખવા માટે એક એકાઉન્ટન્ટની પણ સટ્ટા નેટવર્ક ટીમમાં નિમણુંક કરી તેમને વડોદરા સાથે લઇ આવવામાં આવેલ. ગુજરાતના વિવિધ મોટા શહેરોમાં જઇ રાજયવ્યાપી સટ્ટા નેટવર્ક ચલાવવા મુંબઇથી ખાસ આવેલા બુકીઓ દ્વારા હવે પછી સુરતમાં જઇ સટ્ટા નેટવર્ક ચલાવવા સાથે ક્રમશઃ અન્ય શહેરોમાં ધામા નાખવાનો પ્લાન હતો જે વડોદરા પોલીસ કમિશ્નરની જાગૃતીથી સફળ થઇ શકયો ન હતો. પોલીસે ૧૪ થી વધુ મોબાઇલ, એક એલસીડી, બે લેપટોપ, રોકડ અને બીએમડબલ્યુ કાર મળી લાખો રૂપીયાનો મુદામાલ કબ્જે કર્યો હતો તે બાબત જાણીતી છે.

અત્રે યાદ રહે કે વર્લ્ડ કપ ક્રિકેટ મેચનો રાજયવ્યાપી સટ્ટાના નેટવર્ક માટે મુખ્ય સુત્રધાર મુંબઇના બુકી મેહુલ જૈન એમબીએનો અભ્યાસ કર્યો હોવાથી મેહુલભાઇ એમબીએ તરીકે સટ્ટાની દુનિયામાં જાણીતા હોવાનું પોલીસ સુત્રો જણાવે છે. વડોદરામાં એપાર્ટમેન્ટ ભાડે રાખેલું. ઇન્ટરનેટની દોઢ ડઝન જેટલી લાઇનોનો ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગ કરતા હતા. આમ ક્રિકેટ સટ્ટાના બીજા નેટવર્કનો વડોદરા પોલીસ કમિશ્નરના માર્ગદર્શનમાં પર્દાફાશ થયો છે.

(12:01 pm IST)