Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બાપુનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલા કરાયો

એક્ટિવા ચાલકને વાહન સરખુ ચલાવવા ઠપકો : ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો : બાપુનગર પોલીસ દ્વારા મામલમાં વધુ ચકાસણી

અમદાવાદ,તા.૧૪ : શહેરના બાપુનગરમાં પોલીસકર્મી પર બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંપકસિંહને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવને લઇ ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલે આરોપી શખ્સો વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ચંપકસિંહ ઝાલાએ નોધાવેલી ફરિયાદની વિગતો મુજબ, તેઓ અને તેમનો પુત્ર ગઇકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાનું એકટીવા લઇને રખિયાલ ખાતે સ્કૂલ બેગ લેવા ગયા હતા અને તે લઇને ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે સોનારિયા બ્લોક પાસેથી પૂરપાટ ઝડપે પસાર થતાં એક એકટીવાચાલકને હેડ કોન્સ્ટેબલ ચંપકસિંહે તેનું એકટીવા શાંતિથી અને વ્યવસ્થિત ચલાવવા ઠપકો આપ્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ ભીડભંડન પાસે એકટીવા પાર્ક કરીને દુકાનમા ચવાણુ લેવા ગયા હતા એ દરમ્યાન એકટીવાચાલક યુવકે તેના સાથી સાથે આવી તું કોણ છે મને સલાહ આપનાર અને એમ કહી બિભત્સ ગાળો આપી અચાનક હેડ કોન્સ્ટેબલ ચંપકસિંહ પર છરી વડે હુમલો બોલી દીધો હતો અને ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હુમલો કરીને તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા બીજીબાજુ, લોહીલુહાણ હાલતમાં કોન્સ્ટેબલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હુમલો કરનારા શખ્સો દારૂના નશામાં આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. જો કે, બાપુનગર પોલીસે હવે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

(9:38 pm IST)