Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આરટીઓની મેગા ડ્રાઈવમાં સ્કૂલ વાન અને બસો પકડાઇ

સ્કૂલ બસ, રીક્ષા અને સ્કૂલવાનોનું ચેકીંગ : ડ્રાઈવિંગ બેચ, વાહનો માટેના ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ તેમજ સીએનજી સર્ટિફિકેટ જેવી ચીજોની તપાસ

અમદાવાદ, તા.૧૪ :     અમદાવાદમાં સ્કૂલો શરૂ થતાની સાથે જ આરટીઓ દ્વારા આજે સવારથી સ્કૂલવાન, રીક્ષા અને બસનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ આરટીઓની અલગ અલગ ટીમોએ થલતેજ ચાર રસ્તા, ચાંદખેડા ન્યુ સીજી રોડ અને કરાઈ સહિતના વિસ્તારોમાં અચાનક ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં કેટલીયે સ્કૂલ વાન, અને સ્કૂલ બસો આરટીઓની જરૂરી પરવાનગી અને રજિસ્ટ્રેશન વિનાની જ હોવાનું સામે આવતાં ખુદ આરટીઓ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આરટીઓ તંત્ર દ્વારા નિયમો કે જોગવાઇના ભંગ બદલ સ્કૂલ બસ, રીક્ષા અને સ્કૂલ વાનોને લાખો રૂપિયાનો દંડ વસૂલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરટીઓની મેગા ડ્રાઇવમાં આજે કરાઈ એકેડમી પાસે આવેલી બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલની તમામ બસો રજિસ્ટ્રેશન વિનાની હોવાનું સામે આવ્યું છે. જેમાં ૩૦થી વધુ સ્કૂલ બસો રજિસ્ટ્રેશન અને પરમિશન વિનાની ચાલી રહી છે. આરટીઓ દ્વારા આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની માહિતી આપી નથી. સ્કૂલવાનના ચાલકો બાળકોને ગાડીમાં સીએનજી કીટ લગાડેલી હોય છે, તેના પર સીટ બનાવી બેસાડે છે. જે નિયમ મુજબ ન હોવું જોઈએ. આવી ફરિયાદના પગલે આજે સવારથી ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આરટીઓ તંત્રની ટીમો દ્વારા ચાલકો પાસે ડ્રાઇવીંગ બેચ, વાહનોનું ઇન્શ્યોરન્સ, પીયુસી, ફિટનેસ અને સીએનજી સર્ટિફિકેટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદ આરટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું કે, આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. વાહનોને ડિટેઇન કરવાની અને દંડની વસૂલાત સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ મેગા ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. બીજીબાજુ, આરટીઓ તંત્રની આજની ડ્રાઇવ દરમ્યાન કેટલીયે સ્કૂલ બસો અને વાન રજિસ્ટ્રેશન વિનાની અને પરવાનગી વિનાની પકડાઇ તે વાત આરટીઓમાં પણ ચાલતા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. વળી, શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તામાં અડચણરૂપ અને અંતરાયરૂપ રીતે પાર્ક કરાતી લકઝરી બસો અને સ્કૂલ બસો વિરૂધ્ધ શા માટે આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી? સુરતમાં આવી ગેરકાયદે અને આડેધડ પાર્કિંગ થયેલી લકઝરી બસો જપ્ત કરી કાયદાકીય કેસો સહિતની કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી.

(8:27 pm IST)