Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વડતાલમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનનું નવમું પૂર્ણ અધિવેશન યોજાયું : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું : પત્રકારોના તમામ પ્રશ્નોના નિરાકરણ કરવાનું આશ્વાસન આપ્યુંC

વડતાલ :  ગુજરાતના વડતાલસ્થિત સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહમાં આયોજિત ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનના નવમા પૂર્ણ અધિવેશનનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું. જ્યાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમની શોભા વધારી હતી. સી આર ઓ હબીબ ખાન દ્વારા ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનના સશક્ત અને સક્ષમ નેતૃત્ત્વની સર્વસંમતિથી ચૂંટણીની ઘોષણા કરવામાં આવી. ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનની કમાન ગુજરાતના વરિષ્ઠ બી. આર. પ્રજાપતિને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તથા જી. પ્રભાકરનને મહાસચિવને સોંપવામાં આવી છે. ઉપાધ્યક્ષ વિનોદ કોહલી ચંડીગઢ, સચિવ રાતુલ વોરા આસામ, નારાયણ પાંચાલ મહારાષ્ટ્ર અને વી. વિક્રમન કેરળ, કોષાધ્યક્ષ વિજય એન. મહેતા ગુજરાત સર્વસંમતિથી ચૂંટાયા હતા. કાર્યકારિણીના સભ્ય તરીકે છત્તીસગઢના કે. નથમલ શર્મા, ઉત્તર પ્રદેશના ચંદ્રમણિ રઘુવંશી, ઓરિસાના નિરંજન બિસ્વાલ અને પંજાબના નવીન શર્મા ચૂંટાયા હતા. ચૂંટણીમાં ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ અખોરીએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

 

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું એ પૂર્ણ અધિવેશનમાં ઉત્તર પ્રદેશના ઉ.પ્ર. શ્રમજીવી પત્રકાર યુનિયન (રજિસ્ટર્ડ)ના પ્રાંતિય અધ્યક્ષ ચંદ્રમણિ રઘુવંશી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ પી. સી. ચક્રવર્તી અને બિજનોરના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ જહીર રબ્બાની, ગુજરાતના વિજય અન. મહેતા, બાબુલાલ ચૌધરી, નરેન્દ્ર ત્રિવેદી અને જયંતિલાલા શેઠ, કેરળના બાબુ થોમસ અને અનિલ વિશ્વાસન, છત્તીસગઢના હબીબ ખાન અને નથમલ શર્મા, ચંડીગઢના વિજય કોહલી, પંજાબના નવીન શર્મા, મહારાષ્ટ્રથી નારાયણ પાંચાલ, આસામથી રાતુલ વોરા, ઓરિસાથી નિરંજન બિસ્વાલ અને મુંબઈથી આવેલા દિલીપભાઈ પટેલે પણ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત તમામ પ્રદેશના અનેક પ્રતિનિધિઓએ પણ તેમના વિચારો રજૂ કર્યા હતા.

 

        મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારોની સમસ્યાઓના નિવારણ માટે નક્કર પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. મહાસચિવ જી. પ્રભાકરને સંગઠનના હિત માટે અનેક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યા, જેને સર્વસંમતિથી મંજૂર કરાયા હતા. આ અવસરે નવનિર્વાચિત અધ્યક્ષ બી. આર. પ્રજાપતિએ જણાવ્યું કે, સંગઠનને સશક્ત અને ગતિશીલ બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશ.તેવું શ્રી એસ.બી.શર્માની યાદી જણાવે છે.

(7:59 pm IST)