Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વાવાઝોડા માટે ખતરો ટળતાં કાલથી જનજીવન સામાન્ય

આશ્રય લેનારાઓને ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વાવાઝોડાની છેલ્લી સમીક્ષા બેઠક સ્થળાંતર કરાયેલા ૨.૭૫ લાખ લોકોને પરત મોકલાયા

અમદાવાદ,તા. ૧૪ : રાજયમાં વાયુ વાવાઝોડાનો ખતરો ટળતાં આવતીકાલથી હવે જનજીવન રાબેતા મુજબ શરૂ થશે. જો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી વાવાઝોડાની છેલ્લી સમીક્ષા બેઠક યોજી હતી. આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત વાયુ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હવે ગુજરાત પરનો સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આવતીકાલથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ જશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર ગતિવિધિઓ ફરી શરૂ કરી દેવાશે. આશ્રયસ્થાનોમાં આશ્રય લેનારા પુખ્ત વયની વ્યકિતને રોજના રૂ. ૬૦ અને સગીર વયની વ્યકિતને રોજના રૂ. ૪૫ પ્રમાણે ત્રણ દિવસની કેશડોલ્સ પણ ચૂકવવામાં આવશે.અસરગ્રસ્તો અને આશ્રયસ્થાનોમાં આશ્રય લેનારા લોકો માટે સરકાર તરફથી સહાયની આ બહુ મોટી જાહેરાત કરાઇ છે, જેને લઇ પ્રભાવિત વિસ્તારના લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઇ ગઇ છે.  બીજીબાજુ, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરાયેલા ૨.૭૫ લાખ લોકોને પરત મોકલવાની કાર્યવાહી જિલ્લાતંત્રને હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જે-તે જિલ્લામાં તંત્રના માર્ગદર્શન માટે ગયેલા મંત્રીઓ-સચિવો પરત આવી જશે. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર, હવામાન વિભાગ, લશ્કર, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ, રાજ્યના નાગરિકો અને મીડિયાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તંત્રને ભારે કુદરતી આફત સામે લડવાની પૂર્ણ સતર્કતા કેળવવાનો મોટો અનુભવ પણ મળ્યો છે.  સંભવિત વાવાઝોડાની અસરોને પગલે રાજ્યના ૨૦૦૦ ગામોમાં વીજપૂરવઠાને પણ અસર પહોંચી હતી. જે હવે પૂર્વવત થતાં માત્ર ૧૪૪ ગામોમાં વીજપૂરવઠો રાબેતામુજબ થવાનો બાકી છે તે પણ આજે સાંજ સુધીમાં થઇ જશે. જે વિસ્તારોમાં ઘોરીમાર્ગો પર વૃક્ષો-ઝાડ પડી જવાના કે અન્ય આડશો આવી જવાના કિસ્સાઓમાં પણ તે દૂર કરી માર્ગો કલીયર કરી દેવાયા છે. માર્ગ વાહન વ્યવહાર એસ.ટી. નિગમની બસ સેવાઓનું સંચાલન પણ આજે સાંજથી નિયમિત કરી દેવામાં આવશે. આવતીકાલ સુધીમાં પ્રભાવિત વિસ્તારોમાં જનજીવન સામાન્ય થઇ જાય તે માટેના તમામ પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

(7:52 pm IST)