Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ડો.બત્રાઝ દ્વારા સૌપ્રથમવાર જેનોહોમિયોપેથી થેરાપી લોંચ

જીનેટીક્સ આધારિત સારવારની ક્રાંતિકારી સિદ્ધિઃ જેનોહોમિયોપેથીના ટેસ્ટ-નિદાન થકી દર્દીને રોગ, ઉપરાંત ભવિષ્યમાં થનારી તકલીફો કે બિમારી વિશે જાણી શકાશે

અમદાવાદ,તા.૧૫: હોમિયોપેથીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે છેલ્લા ચાર દાયકામાં પોતાની આગવી ઓળખ અને સીમાચિહ્ન કંડારનાર ડો. બત્રાઝની ટીમ દ્વારા આજે ભારતમાં સૌપ્રથમવાર અને ક્રાંતિકારી જીનેટીક્સ આધારિત એટલે કે, જેનોહોમિયોપેથી લોન્ચ કરી દર્દીલક્ષી ઉપચાર અને સારવારમાં અનોખી ક્રાંતિ સર્જી છે. ડો.બત્રાઝ હેલ્થકેરના વાઇસ ચેરમેન અને એમડી  ડો.અક્ષય બત્રા અને ડો.બત્રાઝ કલીનીકના સ્થાનિક વડા ડો.હરેશ દાણી દ્વારા આજે અમદાવાદમાં જેનોહોમિયોપેથી લોન્ચ કરી હતી અને તેની મહત્વતા સમજાવતાં જણાવ્યું હતું કે, જેનોહોમિયોપેથીના લીધે હવે દર્દીઓને ભવિષ્યમાં થનારી બિમારીઓ અને તકલીફો વિશે પણ એડવાન્સમાં જાણી શકાશે અને તે દિશામાં તેમનું નિદાન અને સારવાર શકય બનશે. આ એક ઐતિહાસિક કહી શકાય તેવી સિધ્ધિ છે. જેમાં દર્દીઓને તંદુરસ્ત, સુખી અને આરોગ્યપ્રદ જીવન જીવવાનો ઉપાય મળી રહેશે. જેનોહોમિયોપેથી વિશે ઉંડી સમજ આપતાં ડો.બત્રાઝ હેલ્થકેરના વાઇસ ચેરમેન અને એમડી  ડો.અક્ષય બત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, જિનોહોમિયોપેથી એ વંશગત અથવા તો વારસાગત દર્દો અથવા બિમારીઓની હોમિયોપેથી સારવાર અને નિદાન છે. જેમાં જીનેટીક્સ અને હોમિયોપેથીની સંયુકત સારવાર કરાય છે. લગભગ ચાર વર્ષ સુધી જીનેટીક્સના નિષ્ણાતો દ્વારા ઉંડા રિસર્ચ અને ડેવલપમેન્ટ બાદ આ ક્રાંતિકારી થેરાપી હવે અમલમાં આવી શકી છે. જેનોહોમિયોપેથીમાં દર્દીના થુંક(લાળ)નો સૌપ્રથમ ટેસ્ટ કરવામાં આવતો હોય છે, જેનો રિપોર્ટ બે સપ્તાહમાં આવે છે, જેમાં જીનેટીક્સ તત્વોની સ્પષ્ટતા થઇ જાય છે અને તેનામાં કયાં જીન્સ છે તેની જાણકારી પ્રાપ્ત થયા બાદ તેના દર્દ અથવા બિમારી અનુસંધાનમાં ચોક્કસ અને પરિણામલક્ષી સારવાર અપાય છે.  ડો. અક્ષય બત્રાએ વધુમાં ઉમેર્યું કે, જેનોહોમિયોપેથી પરીક્ષણો ઔષધિના ક્ષેત્રમાં નિષ્ણાત તબીબો અને કન્સલ્ટન્ટોના સહયોગમાં ડો.બત્રાઝની ટીમ દ્વારા એલર્જી, બાળકોનું આરોગ્ય, વાળ ખરવા, પ્રતિબંધાત્મક આરોગ્ય(પુરૂષ,સ્ત્રી, બાળક), ત્વચાના વિકારો, તાણ, વજનની માવજત, સ્ત્રીનું આરોગ્ય, જાતીય આરોગ્ય સહિતના વિવિધ વિષયોને લઇ અંદાજે ૧૫ લાખ દર્દીઓનો ઉપચાર-સારવાર કરવાના વ્યાપક અનુભવ પર આધારિત સમગ્ર પધ્ધતિ તૈયાર કરાઇ છે. જેનેટીક પરિક્ષણ સાથે દર્દીઓને હવે પીડારહિત, ચોક્કસ, પરિણામલક્ષી અને વ્યકિતગત  સારવાર પ્રાપ્ય બનશે. જેનોહોમિયોપેથીમાં દર્દીના જેનેટીક ટેસ્ટ બાદ તેને મૂળ રોગ કે બિમારી ઉપરાંત ભવિષ્યમાં કેવી તબીબી તકલીફો કે બિમારીઓ થશે અથવા તો થવાની શકયતા છે તે પણ જાણી શકાશે અને તેથી તેના આધારે દર્દીને તે બિમારી માટે એડવાન્સમાં જ ઉપચાર અને સારવાર કરાવવાની તક મળે છે. આ સિવાય ડો.બત્રાઝ ટીમ જેનોહોમિયોપેથી બેંકનું પણ નિર્માણ કરશે, જેમાં દર્દીઓની મંજૂરીથી જેનોમેકિ ડેટા સંગ્રહિત કરશે અને તેના આધારે અન્ય દર્દીઓને ઉત્કૃષ્ટ અને અસરકારક સારવાર આપવામાં ખૂબ મદદ મળી રહેશે.  ઉલ્લેખનીય છે કે, ભારત, યુકે, દુબઇ, બહેરીન, બાંગ્લાદેશના લગભગ ૨૨૫ કલીનીક સાથે ડો.બત્રાઝ હોમિયોપેથી કલીનીક દુનિયામાં સૌથી વિશાળ શૃંખલા ધરાવે છે. લગભગ ૪૦૦ હોમિયોપેથીક ડોકટરો દુનિયાભરમાં કામ કરતા હોવાથી અને અંદાજે દસ લાખ દર્દીઓની સારવાર કરવા બદલ ડો.બત્રાઝ ટીમને ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો હતો.

(9:46 pm IST)