Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પોસ્ટને ઓનલાઇન બનાવવા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ

મેમનગરની પોસ્ટ ઓફિસની સંતોષજનક સેવાઃ પોસ્ટઓફિસોમાં ગ્રાહકોની ઉઠી રહેલી વ્યાપક ફરિયાદો

અમદાવાદ,તા.૧૫: ડિજિટલ ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ સહિત શહેરની તમામ ૧૧૬ પોસ્ટઓફિસોમાં ઓનલાઇન અને ડિજિટલ સેવા ઉપલબ્ધ બનાવવા કોર સીસ્ટમ ઇન્ટીગ્રેટેડ રોલ આઉટ સીસ્ટમ તાજેતરમાં અમલી બનાવાઇ છે પરંતુ હાલ પોસ્ટઓફિસોમાં સર્વર ડાઉન સહિતની વ્યાપક ફરિયાદોને લઇ પોસ્ટના ગ્રાહકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. શહેરની મોટાભાગની પોસ્ટઓફિસોમાં સ્પીડ પોસ્ટ, રજીસ્ટર એડી, મની ઓર્ડર, ટેલિફોન બીલ, પાર્સલ બુકીંગ, એમઆઇએસ સહિતના તમામ કામો લગભગ અટવાઇ પડયા છે પરંતુ આ વ્યાપક ફરિયાદો અને ઉચાટ વચ્ચે એકબાજુ જયારે શહેરની મોટાભાગની પોસ્ટઓફિસોએ તેમની કામગીરી બંધ રાખી ગ્રાહકોને નિરાશ કર્યા હતા ત્યારે શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી પોસ્ટઓફિસમાં ગ્રાહકોને સંતોષજનક કામગીરી અને પ્રતિસાદ આપી શ્રેષ્ઠ કામગીરીનું એક અનોખુ ઉદાહરણ પારૂ પાડયું હતું. જેને લઇ આ પોસ્ટઓફિસના સ્ટાફ અને અધિકારીઓની કર્તવ્યનિષ્ઠાની પ્રતીતિ સામે આવી હતી. બીજીબાજુ, પોસ્ટ ઓફિસોમાં નવી સીસ્ટમ લાગુ કરવાના કારણે સર્જાયેલી આ ખામી અને ફરિયાદોને લઇ તાત્કાલિક તેનું નિવારણ કરી પોસ્ટના ગ્રાહકો ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સીટીઝન્સ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે માંગણી કરી છે. શહેરની પોસ્ટઓફિસોમાં તમામ કામગીરી ઓનલાઇન અને ડિજિટલ બનાવવાના હેતુસર કોર સીસ્ટમ ઇન્ટીગ્રેટેડ રોલ આઉટ સીસ્ટમ અમલી બનાવાઇ છે પરંતુ તેના નવા પ્રોગ્રામ અને સોફ્ટવેરના કારણે સર્વર ડાઉન સહિતની અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે, જેના કારણે રજિસ્ટર એડી, પાર્સલ બુકીંગ, મની ઓર્ડર બુકીંગ, સ્પીડ પોસ્ટ સહિતની લગભગ તમામ કામગીરી ખોરંભે પડી છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, શહેરમાં મુખ્ય જીપીઓ સહિતની આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા, માણેકબાગ સહિતની પોસ્ટઓફિસોમાં નવા સોફ્ટવેર અને સીસ્ટમને લઇ ભારે મુશ્કેલી સર્જાઇ છે. આ નવતર સીસ્ટમની અમલવારીના પ્રથમ તબક્કે જ ગ્રાહકોની વ્યાપક ફરિયાદો સામે આવી છે. નિર્દોષ ગ્રાહકો પોતાના જુદા જુદા કામ માટે પોસ્ટઓફિસોમાં જાય ત્યારે સર્વર ડાઉન કે સોફટવેરના પ્રોબ્લેમના કારણે નિરાશ થઇ પાછા ફરી રહ્યા છે, પોસ્ટઓફિસોમાં ગ્રાહકોની લાંબી લાઇનો લાગી રહી છે. ઘણી પોસ્ટઓફિસોમાં તો અધિકારીઓ નાગરિકો-ગ્રાહકોને સંતોષજનક પ્રતિસાદ પણ આપી રહ્યા નથી. સિનિયર સીટીઝન્સ અને મહિલાઓની હાલત ભારે કફોડી બની છે, ત્યારે પોસ્ટ વિભાગના ઉચ્ચ સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક નવી સીસ્ટમની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરી ગ્રાહકોને ઝડપી અને સરળ સેવા ઉપલબ્ધ બનાવવા પણ સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉગ્ર માંગણી કરી હતી. આ માટે જરૂર પડયે કામચલાઉ ધોરણે પોસ્ટઓફિસોમાં કાઉન્ટરો અને સ્ટાફ વધારવા પણ તેમણે માંગણી કરી હતી. બીજીબાજુ, ગ્રાહકોમાં ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઇ પોસ્ટવિભાગના સત્તાવાળાઓએ પણ તેમના ટેકનીકલ અને નિષ્ણાત માણસોને કામે લગાડયા છે પરંતુ હજુ સમગ્ર સીસ્ટ્મ રૂટીન અને રાબેતામુજબ બનતા પાંચ-સાત દિવસનો સમય નીકળી જાય તેમ લાગી રહ્યું છે.

(9:46 pm IST)