Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સુરેશ શાહ હત્યા કેસના શાર્પ શૂટરને આખરે પકડી પડાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા : બાતમીના આધાર ઉપર આરોપી શખ્સને ચોટીલાથી પકડી લેવાયો : હત્યા કેસમાં કેટલીક નવી વિગત ખુલે તેવી વકી

અમદાવાદ,તા.૧૫ : અમદાવાદ શહેરના વાસણા લાવણ્ય સોસાયટીમાં વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં થયેલા સુરેશ શાહ હત્યા કેસમાં શાર્પશૂટર આરોપી રવુ કાઠી નામના આરોપીને પકડી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે મોટી સફળતા હાસલ કરી લીધી છે. બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.  ૧૦મી માર્ચના દિવસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વાસણા લાવણ્ય સોસાયટીમાં સ્થિત વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં સુરેશભાઈ જ્યંતિભાઈ શાહ દર્શન કરવા માટે ગયા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ સંદર્ભમાં વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર ગુનાનોની નોંધ લઇને કેસનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા કેસના શાર્પશૂટર આરોપીને પકડી પાડીને આ સંદર્ભમાં ક્રાઈમ બ્રાંચે મોટી સફળતા હાંસલ કરી છે. આ શખ્સને ચોટિલા નજીકથી પકડી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલો શખ્સ રવુ કાઠી મૂળ અમરેલી જિલ્લાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી રવુ કાઠીને ચોટીલા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી રવુભાઈ નનકાભાઈ રાણીંગભાઈ શાખ (કાઠી) રહે. અમરેલી પુછપરછ જણાવ્યું હતું કે, સુરેશભાઈનું મર્ડર કરવા રાજુ શેખવાએ પોતાને તથા પોતાના મિત્ર ધનશ્યામ ઉર્ફે ધનો જે  અગાઉ રાજુ શેખવા સાથે અમરેલી મધ્યસ્થ જેલ ખાતે હતો. જેલમાં બંન્નેનો પરીચય થયો હતો. જ્યારે રવુ કાઠી પેરોલ ઉપર બહાર આવ્યો હતો. સુરેશભાઈ શાહના મર્ડર થયાના ચાર પાંચ દિવસ પહેલા અમરેલી ખાતેના તેના મકાને બોલાવ્યા હતા. મકાન પર બોલાવ્યા બાદ આરોપીઓને સુરેશ શાહ બાબતે જણાવી તેનું મર્ડર  કરવાનું જણાવ્યું હતું. આરોપીઓને મર્ડર કરવા માટે એક તમંચો અને કારતુસ પણ મળ્યા હતા. આરોપીઓએ મર્ડર કર્યાના પહેલા બે ત્રણ દિવસ સુરેશ શાહના ઘરની તથા તેની આસપાસના મંદિરો કે જ્યા આ સુરેશ શાહ જાય છે ત્યા રેકી પણ કરી હતી. જે દિવસે મર્ડર કરવાનું હતું તે દિવસે સુરેશ શાહના ઘરની પાસે વોચ રાખીને મહાદેવના મંદિરે જતા તેમની પાછળ પાછળ જઈને મોકો જોઈ બંને આરોપીઓએ પોતાની પાસેની લોખંડની પાઈપો વડે સુરેશભાઈને માથાના ભાગે માર મારી અને ત્યાર બાદ રવુ શાખે પોતાની પાસેના તમંચા વડે એક રાઉન્ડ ફાયરીંગ કર્યા બાદ બંન્ને આરોપીઓ ત્યાર નાસી છુટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરેશ શાહ મર્ડર કેસનો ઉકેલવા ક્રાઈમ બ્રાંચે આરોપી એલમખાન મુરીદખાન જતમલેક રહે. સુરેન્દ્રનગર અને રફીક અબ્દુલ સુમાર રહે. વેજલપુર આ બંને આરોપીઓની અટક કરવામાં આવી હતી. અટક કર્યા બાદ આરોપીઓ પાસેથી ગુન્હાનો મુખ્ય આરોપી અને ખુનમાં સંડોવાયેલ અન્ય આરોપી રાજુ શેખવાનું નામ બહાર આવ્યું હતું.

(8:18 pm IST)