Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કૃષ્ણનગરમાં કોલ સેન્ટરનો પર્દાફાશ :૩ શખ્સ પકડાયા

પોલીસે દરોડો પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો : પોલીસનો આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઇલ, મેજિક બોક્સ સહિતનો મુદ્દામાલ જપ્ત : મામલામાં વધારે તપાસ

અમદાવાદ,તા. ૧૫ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં દુકાનમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કરતાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. વિદેશી નાગરિકોની લીડ મેળવીને તેમને લોન આપવાની લાલચ આપીને આરોપીઓ નાણાંકીય ઠગાઇ આચરતા હોવાની ચોંકાવનારી માહિતીનો તપાસમાં ખુલાસો થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઇલ, મેજિક બોક્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.પી.મારુ અને તેમની ટીમને બાતમી મળી હતી કે,નેશનલ હાઇવે નંબર-૮ પર આવેલ વલ્લભ કોમ્પ્લેક્સના પહેલા માળે રાધે સોલ્યુશન નામની દુકાનમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. પોલીસે ટીમ તૈયાર કરીને ગઇકાલે મોડી રાતે અચાનક જ આ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં દુકાનમાં ત્રણ યુવકો એક લેપટોપ પર કામ કરી રહ્યા હતા. પોલીસે ત્રણેય જણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ કોલ સેન્ટર ચલાવતા હોવાનું કબૂલ્યું હતું. ત્રણેય આરોપીઓ અમેરિકન ગ્રાહકોની માહિતી મેળવતા હતા અને લીડના આધારે વિદેશી નાગરિકોને કોલ કરતા હતા અથવા તો કોલ ના લાગે તો વોઇસ મેસેજ, ટેક્સ મેસેજ અને ઇ-મેઇલ કરતા હતા. આરોપીઓ વિદેશી નાગરિકોને કોલ કરીને તેમને લોન આપવાની લાલચ આપીને યેનકેન પ્રકારે તેમની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરતા હોવાની માહિતીનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી પોલીસે લેપટોપ ચેક કરતાં વિદેશી નાગરિકોની ૧૦૦ થી ૧૫૦ જેટલી લીડ મળી હતી. આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધાર હિતેશ બાલુભાઇ ભીમાણી છે જ્યારે બીજા બે હિરેન પટેલ અને રાજેન્દ્રસિંહ વાધેલા નામના યુવકો છે, જો કે, આ યુવકોએ અત્યારસુધી આ ગેરકાયદે કોલ સેન્ટર મારફતે કેટલા વિદેશી નાગરિકોને ઠગ્યા છે અને કેટલી રકમની છેતરપીંડી આચરી છે તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(8:17 pm IST)