Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઇદ પર્વને લઇને કાલે મુસ્લિમ વિસ્તારોમાં વધુ પાણી અપાશે

મુસ્લિમ સમુદાયને તહેવાર પર રાહત મળશે : ઇદને લઇને બજારોમાં છેલ્લે સુધી જામેલી ભીડ : જોરદાર ખરીદી થઇ : ઇદ પર્વને ઉજવવા મુસ્લિમ સમાજ ઉત્સુક

અમદાવાદ,તા.૧૫ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે ઇદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે છેલ્લી ઘડી સુધી જોરદાર ખરીદીનો માહોલ જામ્યો હતો. મુસ્લિમ સમાજના લોકો ઇદની ઉજવણી કરવા ખુબ જ ઉત્સુક બનેલા છે. બીજી બાજુ આવતીકાલે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર રમજાન ઇદ હોઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના લઘુમતી સમાજની ઉલ્લેખનીય વસ્તી ધરાવતા કેટલાક વિસ્તારમાં વહેલી સવારે અડધા કલાક સુધી ખાસ પાણીનો પુરવઠો પૂરો પાડવાની જાહેરાત કરાઇ છે. અમ્યુકોની આ જાહેરાતને પગલે મુસ્લિમ સુમદાયમાં રાહતની લાગણી ફેલાવા પામી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં આવતીકાલે સવારે રાબેતા મુજબ ૬ થી ૮ વાગ્યા સુધી પાણીનો પુરવઠો તો પૂરો પડાશે જ, પરંતુ લઘુમતી સમાજની નોંધપાત્ર વસ્તી ધરાવતા વિસ્તારમાં કુલ ર૧ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાંથી વહેલી સવારના પ.૩૦થી ૬.૦૦ વાગ્યા સુધી ખાસ વધારાનો પાણીનો પુરવઠો પૂરો પડાશે. શહેરના દૂધેશ્વર, આસ્ટોડિયા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, લાલદરવાજા, જગન્નાથ મંદિર, રખિયાલ હાઉસિંગ, સિલ્વર કોટન, ન્યુ સબર્બન, પ્રગતિ-મીરાં, રખિયાલ વિલેજ, બાપુનગર, હાથીખાઇ, પ્રેમદરવાજા, ગોમતીપુર, શાસ્ત્રીનગર, બટાકા મિલ, કૃષ્ણ સિનેમા, શાહપુર, મુસ્કાન-મક્તમપુરા અને શાહપુર એમ કુલ ર૧ વોટર ડિસ્ટ્રિબ્યુશન વોટર સ્ટેશનમાંથી વધારાનું પાણી પૂરું પડાશે. મોટાભાગના તમામ મુસ્લિમ વિસ્તારોમાં અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા રૂટીન સમય ઉપરાંત અડધો કલાક સુધી વધુ પાણી પૂરું પાડવાનો નિર્ણય જાહેર કરાયો છે કારણ કે, આવતીકાલે મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમજાન ઇદ છે. એક મહિના સુધી પવિત્ર રમજાન બાદ હવે આવતીકાલે ઇદના તહેવારની ઉજવણી કરવામાં મુસ્લિમ સમુદાય મશગૂલ બન્યો છે ત્યારે વધુ પાણી આપવાની અમ્યુકોની જાહેરાતને લઇ મુસ્લિમ વિસ્તારોમાં ખાસ કરીને મુસ્લિમ મહિલાઓમાં રાહત અને ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(8:17 pm IST)