Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બોરસદ તાલુકાના કિંખલોડ પાસે 35 વર્ષીય યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા હત્યાની આશંકા

બોરસદ:તાલુકાના કિંખલોડ પાસે આવેલી જાખોડા સીમ વિસ્તારમાં કાર્યરત સોની બ્રિક્સ પાસેંથી કોઠીયાખાડના ૩૫ વર્ષીય યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કોઠીયાખાડના સિમ વિસ્તારમાં રહેતા અશોકભાઇ ઉર્ફે ટિકો ચીમનભાઇ પઢીયાર (ઉ.વ. ૩૫) જેઓ બે દિવસ પહેલા પોતાની સાસરી ભેટાસી જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા તેમની લાશ આજે સવારે કિંખલોડ નજીક આવેલા સોની બ્રિક્સ પાસે મળી આવતા પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી હતી. જ્યાં મૃતદેહ કાળો પડી ગયો હોય કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવતાં ત્યાં પીએમ કરાયું હતુ જેમાં બન્ને આંખની વચ્ચેનો ભાગ દબાઈ જવાને કારણે મોત થયાનું ખુલવા પામ્યું હતુ. આ ભાગ શાના કારણે દબાઈ ગયો છે, પડવાથી કે પછી કોઈએ બોથડ પદાર્થનો ફટકો માર્યો છે તેનાથી તે અંગે વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ઘરી છે. યુવકનું મોત લાશ મળ્યાના ૨૪ કલાકથી ૪૮ કલાકની વચ્ચે થયાનું પણ ખુલવા પામ્યું છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

 

(6:24 pm IST)