Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આણંદ નજીક બાકરોલમાં નશો કરીને બેસવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં એકનું મોત:ત્રણને ઇજા

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામના પઠાણવાડામાં ગઈકાલે ઓટલે દારૂ પીને બેસવા બાબતે મલેકો અને પઠાણો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક યુવાનની હત્યા થઈ જવા પામી હતી જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અંગે વિદ્યાનગર પોલીસે રાયોટીંગ વીથ હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલના પઠાણવાડા સામે રહેતા ઐયુબમીંયા બચુમીયા મલેકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના સાંતેક વાગ્યાના સુમારે રોઝા છોડતા હતા ત્યારે તેમનો ભાઈ અફજલ આવી ચઢ્યો હતો અને જણાવ્યુ હતુ કે મકસુદ ઉર્ફે રાજા કાલુખાન પઠાણ દારૂ પીને મારા ઘરના ઓટલા ઉપર બેસવા જતા તેને અટકાવ્યો હતો જેથી તે ઘરે જતો રહ્યો હતો અને થોડીવાર બાદ તેના કાકા ઈબાદતખાન પરબતખાન પઠાણ તથા અન્યો આવી ચઢ્યા હતા અને કેમ ઓટલા પર બેસવા દેતા નથી તેમ જણાવીને ઝઘડો કરતા બન્ને કોમના ટોળા સામસામા આવી જવા પામ્યા હતા. જેમાં અફજલને ઈબાદતખાન પઠાણે માથાના પાછળના ભાગે લાકડીનો ફટકો મારી દેતાં તે ત્યાં ફસડાઈ પડ્યો હતો. વચ્ચે પડનાર બચુમીંયા, બસીરમીંયા તથા રમીઝમીંયાને પણ લાકડીઓ તેમજ પાઈપથી માર માર્યો હતો
નીચે પડી ગયેલા અફજલને તેની પત્ની શહેનાઝબીબી તથા ઐયુબમીંયા ઉંચકીને ઘરમાં લઈ જતાં ટોળુ ઘરમાં ઘુસી ગયુ હતુ અને તોડફોડ કરીને મહિલાની આબરૂ લેવાની કોશિષ કરી હતી. જો કે બીજા શખ્સો આવી જતાં ટોળુ ઘરમાંથી નીકળી ગયું હતુ. ટોળાએ અફજલની બાઈકની પણ તોડફોડ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા અફજલ, બચુમીંયા, બસીરમીંયા તથા રમીઝમીંયાને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતાં તબીબે અફજલને મૃત જાહેર કર્યો હતો. આજે સવારે પીએમ બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપ્યો હતો. જ્યાં બપોરના સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા યોજાઈ હતી. સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનની હત્યા થઈ જતાં બાકરોલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસે બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે એસઆરપી સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

(6:24 pm IST)