Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બે ગોડાઉન મેનેજર સહિત કુલ ૪ એસીબી છટકામાં સપડાતા રાજ્યભરના પુરવઠા તંત્રમાં ફફડાટઃ વધુ બે મોટા માથા સકંજામાં

અનાજના ઈજારેદાર પાસે માલમાં ઘટ આવતી હોવાનું જણાવી લાંચ માંગેલી  : નર્મદા જિલ્લાના રાજપીપળામાં જી.ડી. પરસાણાના સુપરવિઝનમાં એસીબી ટીમને સફળતા  : અપ્રમાણસરની મિલ્કતોની શોધખોળ માટે ગુજરાત એસીબીમાં સીબીઆઈ માફક 'સ્પેશ્યલ-સેલ'ની રચનાઃ ડે. કલેકટર કક્ષાના અધિકારીને એસીબીમાં નિમણૂક આપ્યા બાદ કાયદાના તજજ્ઞો પણ એસીબીમાં સામેલ કરવા કવાયત શરૃઃ ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી. કે.એસ. દેત્રોજાની સંપત્તિનો આંક એક અબજને વટાવી જવાના પગલે કેશવ કુમાર દ્વારા મહત્વનો નિર્ણય

રાજકોટ, તા. ૧૫ :. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં પરિવહન ઈજારેદાર તરીકે એફસીઆઈ ભરૂચથી સરકારી અનાજની ગાડીઓ ભરી નર્મદા જિલ્લાના રાજપીપળામાં માલ મોકલતા સમયે 'તમારી ગાડીમાં ઘટ આવે છે' તેવુ દર્શાવી ઈજારેદાર પાસેથી ૧૮૦૦૦ની લાંચની માંગણી કરનાર તિલકવાડાના ગોડાઉન મેનેજર અને સાગબારાના ગોડાઉન મેનેજર સહિત કુલ ૪ શખ્સોને એસીબીએ છટકામાં ઝડપી લીધા છે.

હસમુખભાઈ પટેલ ગોડાઉન મેનેજર (તિલકવાડા) રાજપીપળાના જુનીયર કલાર્ક મુકુંદભાઈ વસાવા, સાગબારાના ગોડાઉન મેનેજર ત્રિવેદીભાઈ વગેરેને મદદગારી કરી લાંચ લેવાના આરોપસર નર્મદા એસીબી પોલીસ સ્ટેશન (રાજપીપળા)ના પી.આઈ. પી.ડી. બારોટે વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક ઈન્ચાર્જ જી.ડી. પરસાણાના સુપરવિઝનમાં આ કાર્યવાહી કરતા રાજ્યભરના પુરવઠા તંત્રના અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે. રાજ્ય સરકારના રેવન્યુ, પુરવઠા દસ્તાવેજ નોંધણી વિભાગ, રૂડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી અર્ધ સરકારી સંસ્થાઓ તથા પોલીસ તંત્ર કે જેનો લોકોને રોજબરોજ પનારો પડે છે અને લોકોના કામ લાંચ આપ્યા વગર ન થતા હોવાની વ્યાપક ફરીયાદ આધારે એસીબી વડા કેશવકુમારે લોકોને પીડતા સરકારી તંત્રના નાના-મોટા લાંચીયાઓને ઝડપવામાં ચપળતા દાખવવા આપેલ સૂચના આધારે રાજ્યભરમાં વ્યાપક પ્રમાણમાં અમલ શરૂ થઈ ગયો છે.

(4:13 pm IST)