Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બાગી-૨ના અપહરણના સીને પઘ વર્ષના ઢગાના કરતુતોનો પર્દાફાશ કર્યોઃ ૮ વર્ષની બાળા બોલી ઉઠી બાજુમાં રહેતા અંકલ પણ મારી સાથે આવું કરે છે

સુરતઃ સુરતમાં પ૩ વર્ષના ઢગાએ ૮ વર્ષની બાળાનું શારીરિક શોષણ કરતા અને બાળા સાથે સૃષ્‍ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ મચી ગયો છે.

ફિલ્મ બાગી-2ના અપહરણના સીને 53 વર્ષના હવસખોરની કરતૂતોનો પર્દાફાશ કર્યો. સુરતના પાલનપુર પાટિયા પાસે રહેતો પરિવાર ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે ફિલ્મમાં હિરોઈનના અપહરણ અને તેની સાથે દુર્વ્યવહારનો સીન આવ્યો હતો, દરમિયાન આઠ વર્ષની બાળકી અચાનક બોલી ઉઠી કે, “મા બાજુમાં રહેતા અંકલ પણ મારી સાથે આવું કરે છે.બાદમાં બાળકીને પોતાના વિશ્વાસમાં લઈ માતાએ તેની પૂછપરછ કરતાં બાળકીએ પોતાની આપવીતી જણાવી દીધી હતી.

મહિલાએ આ અંગે પોતાના પતિને જાણ કરી, બાદમાં તેમણે આ મામલે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલીસે 53 વર્ષના વિનોદ ઉપાધ્યાય નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. જે છેલ્લા 8 મહિનાથી બાળકીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ બાળકી સાથે આરોપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. આરોપી પોતાની પત્ની અને 24 વર્ષની દીકરી સાથે રહેતો હતો. બપોરે દીકરી ભણવા જતી રહેતી અને તેની પત્ની નોકરીએ જતી રહેતી ત્યારે વિનોદ ઉપાધ્યાય વડાપાઉં, આલુ પુરી, ચોકલેટ વગેરે ખાણી-પીણીની વસ્તુઓની લાલચ આપી બાળકીને ઘરે બોલાવતો હતો.

પાર્ટ ટાઈમ ટાઇપિસ્ટ તરીકે નોકરી કરતા વિનોદ ઉપાધ્યાય વિરુદ્ધ પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 376 (રેપ) અને 377 (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યા મુજબ પીડિત બાળકીએ શારીરિક સતામણીની તમામ માહિતી પોલીસને આપી છે. વિનોદ ઉપાધ્યાય શું કરી રહ્યો હતો તે અંગે બાળકીને સમજ ન હતી અને તેથી તેણે પોતાના માતા-પિતાને પણ આ અંગે જાણ નહોતી કરી.

(6:28 pm IST)