Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

વધુ એક પેપર લીક!:જૂનાગઢની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં પરીક્ષાના પેપરના કવરનું સીલ તૂટેલા નીકળતા હોબાળો મચ્યો

જિલ્લા પંચાયતના અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી ગયા : ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને પુરાવા એકત્ર કર્યા

અમદાવાદ :વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાના આક્ષેપો ઉઠ્યા છે. જૂનાગઢની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યાના આક્ષેપો ઉમેદવારોએ કર્યા હતા. સમાજ કલ્યાણ અધિકારીની ભરતી પરીક્ષાના પેપરનું કવરનું સીલ તૂટેલું નિકળતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી ગયા હતા. બાદમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને પુરાવા એકત્ર કર્યા હતા. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાના પેપર ભરેલું કવર જ્યારે લાવવામાં આવ્યું ત્યારે પહેલાંથી જ તે લગભગ અઢીથી ત્રણ ઇંચ જેટલું તૂટેલું હતું.

ઉમેદવારોએ જણાવ્યું હતું કે પેપરનું કવર તૂટેલું હતું અટલે અમે તેના વિશે સવાલ કર્યા હતા. નિયમ પ્રમાણે ઉમેદવારોની હાજરીમાં પેપરનું કવર ખોલવાનું હોય છે અને તેના પર આ વિદ્યાર્થીઓની સહી કરવાની હોય છે, પણ કવર તુટેલું હોવાથી અમે તેના પર સાઈન કરી નથી. અમે આ અંગેનું પ્રૂફ માગ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે પંચાયતમાં જાઓ, અમે કોઈ પ્રૂફ આપી શકીએ નહીં. આ ઘટનાનું રોજકામ કરવામાં આવ્યું હતું. તેમાં અઢી ઇંચ જેટલું તૂટેલું હોવાનું લખ્યું છે પણ ખરેખર તો કવર ત્રણ ઇંચ જેટલું તુટેલું હતું.

બીજી બાજુ આ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યમાં સમાજ કલ્યાણ અધિકારીની 7 જગ્યાઓ માટે એકલા અમદાવાદમાં જ 44 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પાલડીના પરીક્ષા કેન્દ્ર ખાતે ડૉક્ટરેટની ડિગ્રી ધરાવતા ઉમેદવાર પણ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સમાજ કલ્યાણ અધિકારીની પરીક્ષામાં ભલે સ્પર્ધા વધુ હોય પરંતુ કેટલાક ઉમેદવારોએ આત્મવિશ્વાસથી સફળતા મળવાની આશા વ્યક્ત કરી

(9:50 pm IST)