Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ગણદેવીના દેવસર ગામના મંદિર ફળિયામાં 31 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર : દોડધામ

લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમિટીંગની ફરિયાદ ઉઠતા આરોગ્ય વિભાગ દોડતું

નવસારીના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમિટીંગની ફરિયાદ ઉઠતા વહેલી સવારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તમામને સારવાર આપી ગામમાં સર્વેની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં લગ્ન પ્રસંગ આયોજિત થઇ રહ્યા છે.. ત્યારે લગ્ન પ્રસંગમાં ભોજનમાં ક્યારેક ખામી સર્જાતા તેના પરિણામ સ્વરૂપ ફૂડ પોઇઝનિંગના કેસ સામે આવે છે. ત્યારે ગણદેવી તાલુકાના દેવસર ગામે આવેલા મંદિર ફળિયામાં દીપકભાઈના દીકરીના લગ્નનું આયોજન થયું હતું.જેમાં લક્ષ્મી ફળીયાથી મંદિર ફળિયા સુધી જાન આવી હતી.

રાત્રે પીરસાયેલા ભોજનમાં દાળભાત મિક્ષ વેજ અને મેંગો ડીલાઈટ જેવી વાનગી આરોગ્ય બાદ વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ 31 લોકોને ઉલટી અને ડાયેરિયાની ફરિયાદ ઉઠતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રને જાણ કરતા ટીમ એક્શનમાં આવી હતી અને સર્વે તેમજ ક્લોરીનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.ગામના બે ફળિયામાં 343 જેટલા ઘરના 77 પરિવારને તાત્કાલિક ક્લોરીનેશન તેમજ જરૂરી દવા આપવાની શરૂઆત કરવામાં આવી છે.5 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા સાથે અન્યને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.

રોગચાળા નિયંત્રણ અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે લગ્નના પ્રસંગમાં જમણવારમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા. અમારી તાલુકા અને જીલ્લાની ટીમે સરવે કરતાં 31 જેટલા બીજા કેસ જોવા મળ્યા છે, તેમાંથી 5 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમારી છ ટીમ સર્વેલન્સ કરી રહી છે. અમારી ટીમ ઘરે ઘરે જઈ ઓઆરએસ, ક્લોરીન ટેબલેટ અને ઝીંકનું વતરણ કરી રહી છે અને જો કોઈને જરૂર પડે તો બેઝ કેમ્પમાં અમારી ટીમ સારવાર માટે 24 કલાક ઉપલબ્ધ છે.

(9:48 pm IST)