Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

નવસારીના સિસોદરા ગામ નજીક દાંડી જતા સ્ટેટ હાઇવે ઉપર સાઇન બોર્ડ દર્શાવતુ બોર્ડ કાર તરફ પડ્યુઃ કાર ચાલકનો બચાવ

નવસારી : હાઇવેને અડીને આવેલા સિસોદરા ગામ નજીક ઓવરબ્રિજ થઇને દાંડી જતા સ્ટેટ હાઇવે પર એકાએક સાઇનબોર્ડ અને કિલોમીટર દર્શાવતું વિશાળકાય બોર્ડ કાર પર પડતા અકસ્માત થયો હતો. જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જેનો વીડિયો અન્ય કાર ચાલકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે.

નવસારીથી દાંડી જવા માટે કિલોમીટર દર્શાવતું સરકાીર બોર્ડ મુકવામાં આવ્યું છે. જે અચાનક ભારે પવનના કારણે કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કારને નુકસાન થયું હતું. જો કે સદ્ભાગ્યે ગાડીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થતા હાશકારો થયો હતો. જેના પગલે સ્થાનિક લોકોએ એકત્ર થઇને કાર ચાલકને બહાર કાઢ્યો હતો.

સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ સાઇનબોર્ડ ખુબ જ જુનું છે. વારંવાર તંત્રને રજુઆત કરવા છતા પણ આ બોર્ડ હટાવવામાં આવ્યું નહોતું. વર્ષોથી તે વાહન ચાલકો પર જોખમ બનીને જળુંબી રહ્યું હતું. આજે તે જોખમી રીતે પડ્યું હતું. એક ગાડી ચાલકને ઇજાગ્રસ્ત પણ કર્યો હતો.

(5:23 pm IST)