Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વડોદરા: ખોડિયારનગરમાં રહેતા યુવકના ઘરમાં ઘુસી ફર્નિચરના બાકી રહેતા પૈસા મુદ્દે માથાકૂટ કરી ત્રાસ આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં પખવાડિયા અગાઉ ખોડીયારનગરમાં રહેતા યુવકના ઘરમાં ઘૂસી ફર્નિચરના બાકી પૈસાના મુદ્દે હરજાણી હત્યા કેસના આરોપી અને માથાભારે એન્થોની ગંગવાણી સહિત ત્રણ જણાએ યુવકોને લાફા મારી ચપ્પુ બતાવી તિજોરીમાંથી 70 હજારની લૂંટ ચલાવી હતી. ઘરમાં રહેલા યુવકોએ બે જણાને ઘરમાં પૂરી દેતાં હુમલાખોરો ઉશ્કેરાયા હતા અને ઘરમાં તોડફોડ કરી હતી. પોલીસે 2 હુમલાખોરને ઝડપી લીધા હતા. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા માથાભારે અનિલ ઉર્ફે એન્થોની અત્રેની સેસન્સ અદાલતમાં પોતાના રેગ્યુલર જામીન માનતી અરજ રજૂ કરી હતી જે અરજ નામંજુર કરવાનો અદાલતે હુકમ કર્યો છે.

સરકાર તરફી એડિ. પીપી . બી એસ પુરોહિતે દલીલ કરતા જણાવ્યું હતું કે અરજદાર આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેના વિરોધમાં 20 જેટલા ગુનાઓ નોંધાયા છે અને તે માથાભારે શાર્પશૂટર હોય જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તે મળતિયાઓ સાથે ગુંડા ટોળકી બનાવી ગુનાઓ આચરી  ફરિયાદી તથા સાક્ષીઓને ફોડી તપાસને  નુકસાન કરી શકે તેમ છે.

બંને પક્ષોની દલીલો બાદ અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ પરથી ફરિયાદમાં જણાવ્યા મુજબનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોય તેવું ફલિત થાય છે. જેથી આરોપીની આ ગુનામાં સંડોવણી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. અરજદાર આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન, છેતરપિંડી, આર્મ્સ એકટ,  ખંડણી સહિતના ગુના નોંધાયેલા છે. જેથી ગુનાની ગંભીરતા સમજી અરજદાર આરોપી જામીન મુક્ત થવા હકદાર થતો નથી તેવું  અદાલત નું માનવું છે.

(5:07 pm IST)