Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વડોદરા પાસે અકસ્માત : કોરોના દર્દીઓના સેવાભાવી ૩ યુવકોના મોત

નેશનલ હાઇવે કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને જોકુ આવી જતા ડીવાઇર કુદીને કાર રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઇ : મુળ ભાવનગરના અને સુરત રહેતા સંજય હસુમુખભાઇ ગોદાણી, રાજુ ગીરધરભાઇ ગોંડલીયા, અશોક ગોકુલભાઇ ગોદાણીનો ભોગ લેવાતા અરેરાટી : કોરોના મહામારીમાં કોરોના દર્દીઓની સેવા કરાવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો

રાજકોટ, તા. ૧પ : વડોદરા નેશનલ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મુળ ભાવનગરના અને સુરત રહેતા કોરોના દર્દીઓની સેવા કરીને પરત ફરી રહેલા ૩ યુવકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત મુજબ વડોદરા પાસેથી પસાર  થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનોના સ્થળ પર મોત નીપજ્યાં હતા.

 કાર ચાલકને ઝોકુ આવી જતાં ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ડીવાઇડર કૂદીને રોંગ સાઇટમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રકમાં ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલ ત્રણ યુવાનો સુરતથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલ પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉ.વ.૩૬), સી-૧૦૨, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફ ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. ૨૭) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણીયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. ૪૨) કારમાં સુરતથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં તેઓએ પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો.

ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડીવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને તે જ સમયે અમદાવાદથી સુરત તરફ પુરપાટ જઇ રહેલી ટ્રકમાં કાર ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતાં લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તુરત જ પોલીસનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઇ મૃતદેહો બહાર કઢાવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેઓના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતા સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(12:52 pm IST)
  • આંધ્રપ્રદેશમાં ૨૪ કલાકમાં ૨૨૫૧૭ નવા કેસ : આંધ્રપ્રદેશમાં ૨૪ કલાકમાં ૨૨૫૧૭ નવા કેસ, 98 મૃત્યુ અને કોરોનાની નાગચુડમાંથી ૧૮૭૩૯ સાજા થયા છે. access_time 12:42 am IST

  • શરદી અને તાવને હળવાશમાં ના લે ખેડૂતો, ગામડાઓ પણ કોરોના ફેલાઈ રહ્યો છે:વડાપ્રધાન મોદીની અપીલ access_time 12:59 am IST

  • ટેનિસ : રફેલ નાડાલે પુરૂષ સિંગલ્સ સેમિ ફાઇનલમાં અમેરિકન રીલી ઓપેલ્કાને 6-4, 6-4થી હરાવીને ઇટાલિયન ઓપનની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. access_time 11:17 pm IST