Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વડોદરાનો કિસ્સો : જેવું કરો તેવું ભરો સિધ્ધાંત સાચો પડયો

કર્મનો સિધ્ધાંત સાચો પડયો : ૧૨ વર્ષ પહેલા દાન કર્યુ'તું : કોરોના કાળમાં મળી ગયું ફળ

આર્થિક સ્થિતિ સારી ન્હોતી છતાં કર્યુ'તું ૫૦૦૦નું દાન : કોઇ કલ્પના પણ ન કરી શકે તેવી મદદ મળી : જીવ બચી ગયો

વડોદરા તા. ૧૫ : 'જેવું કરો તેવું ભરો...' કર્મનો આ સિદ્ઘાંત માત્ર ચાર શબ્દોમાં આખી જિંદગીનો સાર સમજાવી જાય છે. માનો કે ના માનો, પરંતુ વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા શાહ બંધુઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે ૧૨ વર્ષ પહેલા તેમણે કરેલું એક દાન કદાચ આ મહામારીમાં તેમનો જીવ બચાવવાનું નિમિત બની જશે. આ વાતના સાક્ષી શાહ બંધુઓની સારવાર કરનારા ડો. ભાવેશ પટેલ છે, જેમને આજથી ૧૨ વર્ષ પહેલા ૫ હજાર રૂપિયા આપી શાહબંધુઓએ કોઈ જરૂરિયાતમંદની મદદ કરવા માટે કહ્યું હતું.

આ સમગ્ર ઘટના કંઈક એવી છે કે, વડોદરામાં રહેતા રાજેશ શાહ અને શેખર શાહ (નામ બદલ્યા છે)ને તાજેતરમાં જ કોરોના થયો હતો. જેમાં રાજેશ શાહની તબિયત વધુ ખરાબ થઈ જતાં તેમને રેમડેસિવિયર ઈન્જેકશનની જરૂર પડી હતી. ઈન્જેકશનો કયાંય ઉપલબ્ધ નહોતા તેવામાં તેની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની ચિંતા શાહ પરિવારને સતાવી રહી હતી.

તે જ વખતે તેમની સારવાર જે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી ત્યાં આવીને એક મહિલા રેમડેસિવિયરના ત્રણ ઈન્જેકશન આપી ગઈ. શાહબંધુ તો આ મહિલાને ઓળખતા પણ નહોતા. જોકે, તેમણે આપેલા ઈન્જેકશનથી રાજેશ શાહનો જીવ બચી ગયો, અને હાલ તેઓ રિકવર થઈ રહ્યા છે.

શાહબંધુઓની સારવાર કરનારા ડો. ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર, કોઈએ કલ્પના પણ નહોતી કરી તે રીતે રાજેશ શાહને હોસ્પિટલમાં બેઠા-બેઠા જ રેમડેસિવિયર ઈન્જેકશન મળી ગયા હતા. આજથી ૧૨ વર્ષ પહેલાની એક ઘટનાને યાદ કરતાં નિઝામપુરામાં કિલનિક ધરાવતા ડો. ભાવેશ પટેલે જણાવ્યું હતું કે કદાચ શાહબંધુઓએ કરેલા સારા કર્મોને કારણે જ આમ શકય બન્યું છે.

ડો. પટેલને ત્યાં એક ફિઝિયોથેરાપિસ્ટ કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યાં હતાં. રાજેશ શાહને જે દિવસે રેમડેસિવિયરની જરૂર પડી તે જ દિવસે આ ફિઝિયોથેરાપિસ્ટ ઈન્જેકશન ડોનેટ કરી ગયાં હતાં. ખરેખર તો આ ઈન્જેકશન તેમણે પોતાના કોરોનાગ્રસ્ત સસરા માટે મગાવ્યા હતા. પરંતુ તેમનું ટ્રીટમેન્ટ દરમિયાન મોત થતાં ત્રણ ઈન્જેકશન વપરાયા વિનાના રહી ગયા હતા. ફિઝિયોથેરાપિસ્ટ અને તેમના પિતા કોરોનામાંથી સાજાં થઈ જતાં તેમણે પોતાની પાસે રહેલા ત્રણ ઈન્જેકશનને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના માટે તેમણે પોતાની ટ્રીટમેન્ટ કરનારા ડો. પટેલનો સંપર્ક કર્યો હતો. એક તરફ આ ઈન્જેકશનના કેટલાક લોકો કાળાબજાર કરી રહ્યા છે, ત્યારે આ ફિઝિયોથેરાપિસ્ટે એક પણ રૂપિયો લીધા વિના તેના ત્રણ ડોઝ રાજેશભાઈ માટે આપી દીધા હતા.ડો. પટેલે જણાવ્યું હતું કે, શાહબંધુઓ અટલાદરામાં રહે છે. તેમના પિતાની આજથી ૧૨ વર્ષ પહેલા ટીબીની સારવાર તેઓ જ કરી રહ્યા હતા. જયારે શાહબંધુઓના પિતાનું અવસાન થયું ત્યારે શેખર શાહ ડો. પટેલને મળવા આવ્યા અને તેમના હાથમાં તેમણે ૫ હજાર રૂપિયા મૂકી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ અંતિમવિધિમાં ખર્ચો કરવા નથી ઈચ્છતા. તેના બદલે જો આ રુપિયાથી કોઈ ગરીબ દર્દીની મદદ થતી હોય તો વધારે સારૂં.

રાજેશ અને શેખર પોતે એક ફેકટરીમાં કામ કરતા હતા, અને તેમની નાણાંકીય સ્થિતિ એટલી સારી ના હોવા છતાંય તેમણે ૧૨ વર્ષ પહેલા નાના માણસ માટે મોટી કહી શકાય તેવી પાંચ હજાર રૂપિયા જેટલી રકમ દાન કરતાં ડો. પટેલ પણ નવાઈ પામ્યા હતા. આજે જયારે એ જ શાહબંધુને પોતાના પરિવારના સભ્યને બચાવવા માટે મદદની જરૂર હતી ત્યારે કદાચ ઉપરવાળાએ પણ તેમને જરાય રાહ જોવડાવ્યા વિના કોઈ કલ્પના પણ ના કરી શકે તે રીતે મદદ પહોંચાડી દીધી.

(11:59 am IST)