Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ધારપુર હોસ્પિટલમાં ૨૨ વર્ષીય પોઝિટિવ સગર્ભાની સારવાર

મારા માટે તો આ હોસ્પિટલ જ મારું માવતર : કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સાંભળીને હચમચી ઉઠીતી આરોગ્યકર્મીઓએ હૂંફ આપી મનનો ભાર હળવો કર્યો

અમદાવાદ,તા.૧૫  : મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવતાં મને સૌથી વધુ ચિંતા મારા ગર્ભમાં રહેલા બાળકની થઈ, પણ ધારપુર હોસ્પિટલના તબીબો અને અન્ય આરોગ્યકર્મીઓએ મારી સારવાર ઉપરાંત એક પરિજનની જેમ આત્મીયતાપૂર્વક મને સાંત્વના આપીને મારી ચિંતા હળવી કરી નાખી. હાલ સ્વસ્થ થયા બાદ મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ હું આશ્વસ્ત છું કે, મારા માટે જાણે મારું માવતર હોય તેમ મારી ડિલિવરી માટે અહીં અત્યારથી અલગ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે.

        ૨૨ વર્ષની સગર્ભાના આ શબ્દો સાક્ષી પૂરે છે, કોરોના સામે દિનરાત ફ્રન્ટલાઇન વૉરિયર તરીકે લડી રહેલા આરોગ્યકર્મીઓના દર્દીઓ પ્રત્યેના સમર્પણ ભાવની. પાટણના સરસ્વતી તાલુકામાં આવેલા ભીલવણમાં ગત તા.૫ એપ્રિલના રોજ કોરોનાનો પોઝિટિવ કેસ ધ્યાને આવતાં ભીલવણને ક્નટેન્મેન્ટ ઝોન જાહેર કરી, આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ. જે અંતર્ગત ગત તા.૨૮ એપ્રિલના રોજ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૨૨ વર્ષીય સગર્ભાનું સેમ્પલ લેવાતા બે દિવસ પછી તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. પરિણામે, તા. ૩૦ એપ્રિલના રોજ આ મહિલાને કોવિડ ડેડિકેટેડ વૉર્ડમાં દાખલ કરવામાં આવી. આ અંગે વાત કરતાં ધારપુર જનરલ હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેશ ગોસાઈ જણાવે છે કે, 'સ્વાભાવિક રીતે જ એ મહિલાને તેના ગર્ભમાં રહેલા બાળકની ચિંતા હોય, અમારા માટે પણ આ ધીરજપૂર્વક અને ચોકસાઈથી આગળ વધવાની ઘડી હતી.

         અન્ય કોરોના પોઝિટિવ દર્દીઓ કરતાં પણ આ સગર્ભાની વિશેષ કાળજી લેવાની હતી. કારણ કે, અમારે એક નહીં, બે જીવની ચિંતા કરવાની હતી. આ બાબતને ધ્યાને લઈને હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેની આરોગ્યલક્ષી સારવારની સાથે કોરોના સામે લડવાનો તેનો આત્મવિશ્વાસ કેમ વધારી શકાય એ માટેના પ્રયત્નો વધારે કર્યા. અને આજે તે સ્વસ્થ થઈને પોતાન ઘરે જઈ રહી છે. પોતાની વાત આગળ વધારતાં ડૉ. ગોસાઈ ઉમેરે છે કે, આઠ મહિનાનો ગર્ભ ધરાવતી આ સગર્ભા માટે કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં જ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. તે સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ભલે તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હોય, પરંતુ તેને આગામી તા.૨૧ મેની આસપાસના દિવસોમાં ડિલિવરીની શક્યતા હોઈ હોસ્પિટલ ખાતે બે ગાયનેકોલોજિસ્ટ અને એક એનેસ્થેટિસ્ટની તથા અલગ ઑપરેશન થિયેટરની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે.

           એટલું જ નહીં, ભીલવાણ તેના ઘરેથી સગર્ભાને હોસ્પિટલ સુધી લાવવા માટે ખાસ એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા અત્યારથી કરી રાખવામાં આવી છે. સામા પક્ષે આરોગ્યકર્મીઓની સારસંભાળ અને પારિવારિક લાગણી જોઈને સગર્ભાએ પણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, પાટણ આરોગ્યતંત્રની તાત્કાલિક કામગીરીના પગલે કન્ટેન્મેન્ટ વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનો સમયસર કોરોના ટેસ્ટ અને ત્યાર બાદ જરૂરી સારવાર મળી શકી. એટલું જ નહીં, સારવાર બાદ પણ સગર્ભાની ડિલીવરી માટેની વ્યવસ્થા અત્યારથી જ  કરી રાખવામાં આવી છે. એક સગર્ભાના આરોગ્યની સાથે તેના આવનાર શિશુની પણ દરકાર કરતાં આ કોરોના વૉરિયર્સને સલામ છે.

(9:47 pm IST)