Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજપીપળામાં મોટાભાગના વિસ્તારોમાં વીજકંપનીનો ખાડે ગયેલો વહીવટ : છાસવારે ડીપીમાં અગ્નિ તાંડવ

42 ડીગ્રી ગરમીમાં શાક માર્કેટ પાસેના ડીપીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં ગરમ: બાબા આદમના જમાનાના ટ્રાંફોર્મરો ઓવરલોડ થતા સૉર્ટ સર્કિટની વધતી ઘટના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અમુક અધિકારીઓની લાલીયાવાડીના કારણે વહીવટ ખાડે જતો જોવા મળી રહ્યો છે જેમાં મસમોટા બિલો ભરતા ગ્રાહકોની તકલીફમાં વધારો જોવા મળે છે
શહેરમાં બાબા આદમના જમાનાના ટ્રાન્સફોર્મરો હોય વીજ ઉપકરણો બમણા થવા છતાં આ ટ્રાન્સફોર્મરો વધુ કેપેસિટીના ન નંખાતા વારંવાર આગ કે સૉર્ટ સર્કિટના બનવો બને છે ગત રોજ શાક માર્કેટ પાછળ આવેલા ડીપીમાં પણ સૉર્ટ સર્કિટ થતા વીજ પુરવઠો બંધ રહ્યો જેમાં 42 ડીગ્રી આકરી ગરમીમાં લોકો શેકાઈ ગયા હતા.જોકે આ ડીપીમાં વારંવાર આગ,સૉર્ટ સર્કિટ થવા છતાં ઓછી કેપેસિટીનું ટીસી બદલવામાં અધિકારીઓ આળસ કરતા હોય ક્યારેક મોટી દુર્ઘટના બને તેમ સ્થાનિકો જણાવી રહયા છે.
  હાલ રમઝાનનો તહેવાર ચાલુ હોય આ તરફના મુસ્લિમ વિસ્તારોમાં અંધારપટ થતા લોકો માં રોષ જોવા મળ્યો હતો.આજ પ્રકારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વર્ષો જુના ઓછા વોલ્ટના ટ્રાન્સફોર્મરો તાકીદે બદલવા જરૂરી છે અને ફરિયાદો પણ વારંવાર કરવા છતાં વીજ કંપનીના અમુક આળસુ અધિકારીઓ આ બાબતે કોઈજ પગલાં નથી લેતા માટે વારંવાર અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટના અને લો વોલ્ટેજની સમસ્યા જોવા મળે જ છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ માટે યોગ્ય કામગીરી કરવા આળસુ અધિકારીઓ ને કડક સૂચના આપે તેવી માંગ ઉઠી છે.

(9:44 pm IST)