Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પિતા-પુત્રની જિંદગીની વહારે આવ્યા સિવિલના કોરોના યોદ્ધા

પિતા-પુત્રએ કોરોના યોદ્ધાઓની પ્રશંસા કરી : અહીં અમારી ખુબ કાળજી લેવાઈ, નિયમિત પેક્ડ ફુડ, નાસ્તો આપવાની સાથે તબીબીઓ અંગત કાળજી લીધી

અમદાવાદ,તા.૧૫ : પિતા-પુત્રની જોડી, બંને કોરોનગ્રસ્ત અને બંને સિવિલ હોસ્પિટલમાં ખાસ બનાવાયેલ કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ ! પરંતુ જયારે ૨૩ એપ્રિલના રોજ આ બંને સાજા થઈને ઘરે ગયા ત્યારબાદથી તેઓ હોસ્પિટલના વખાણ કરતા થાકતા નથી. અમદાવાદના દરિયાપુરના રહીશ મેહુલભાઈ ડબગર કહે છે કે, સિવિલ હોસ્પિટલ અને આ વ્યવસ્થાતંત્રમાં પૂર્ણ આશા રાખશો તથા સરકારે નિયત કરેલી માર્ગદર્શિકા અનુસાર ચાલશો તો જરૂરથી આ રોગને હરાવી શકશો મારા ચાર વર્ષના પુત્ર દિવ્યને ૧૪ એપ્રિલે ઝીણો તાવ તેમજ ગળું સુકાઈ જવાની ફરિયાદના આધારે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લવાયેલ, અહીં પહેલાતેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ દ્વારા મને પણ ૧૫ એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યો,

         મેહુલભાઈ યાદ કરતા કહે છે. એક જ પરિવારના બે-બે સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવતા પરિવારમાં ચિંતાનું મોઝું ફેલાઈ ગયું પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફે તેમને સાંત્વના આપી અને જરૂરી સારવાર માટે સમજાવ્યા અને જરાપણ નહિ ડરવાનો અનુરોધ કર્યો. મેહુલભાઈ કહે છે કે, અહીં અમારી ખુબ દરકાર લેવામાં આવી. ઉત્તમ કક્ષાનું પેક્ડ લંચ દિવસમાં ત્રણ વખત અત્યન્ત ચોખ્ખાઇપૂર્ણ રીતે આપવામાં આવતું. એટલું જ નહિ, મારા ચાર વર્ષના પુત્ર સાથે રહેલી તેની માતાને પણ આ બધી વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હતી. વોર્ડમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે કુલર, સફાઈયુક્ત ચોખ્ખા જાજરૂ-બાથરૂમ સહિતની પૂરતી વ્યવસ્થા અહીં હતી. પ્રતિદિન નવા માસ્ક અને સેનિટાઇઝર્સ અહીં રહેતા દરેકને આપવામાં આવતા.તમામ તબીબ અને ર્નસિંગ સ્ટાફ મળતાવળા અને મદદ માટે સદાય તત્પર રહેતા. રેગ્યુલર વિઝિટ કરી  તમામની આરોગ્યવિષયક કાળજીની સાથે રોગપ્રતિકારક શક્તિ વધે તથા માનસિક આરોગ્ય જળવાય તે હેતુથી યોગ અને અન્ય પ્રવૃર્તીઓ પણ કરાવતા, તેવું મેહુલભાઈ વધુમાં કહે છે.

(9:42 pm IST)