Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દહેજનાં જોલવા ગામે બીજા દિવસે પરપ્રાંતિયોનો હોબાળો : પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસનાં સેલ છોડાયા

શ્રમિકોએ ચક્કાજામ કરી હલબોલ કર્યો : પોલીસનો લાઠીચાર્જ

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલ GIDC માં કામ કરતાં પરપ્રાંતિયો હવે વતન જવા માટે જીદ કરી રહ્યા છે. બે દિવસથી જોલવા ચોકડી ખાતે શ્રમિકોએ ચક્કાજામ કરીને હલ્લાબોલ કરતાં આજે પોલીસે હળવો લાઠી ચાર્જ કરવાની ફરજ પડી કેમ કે શ્રમિકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.જેને લઈ ટોળાને વિખેરવાં ટીયર ગેસનાં સેલ છોડવાની પોલીસને ફરજ પડી હતી

  . દેશભરમાં લોક ડાઉનનાં ત્રીજા તબક્કામાં સરકારે જે પરપ્રાંતિય લોકો છે તેમને વતન જવાની છુટ આપતા ભરૂચ જીલ્લાની પાંચ GIDC જેવી કે દહેજ, વિલાયત, પાનોલી, અંકલેશ્વર, ઝધડીયા, વાલિયા, જંબુસર ઉદ્યોગોમાં કામ કરતાં કામદારો કે જેઓ રોજમદારો છે અને રોજ કમાઈને ખાનારા છે તેઓને કંપની તથા કોન્ટ્રાકટરો દ્વારા પગાર આપવાની ના પાડતાં કામદારોને ભૂખે મરવાનો વારો આવતા કામદારોએ વતનની વાટ પકડી છે જયારે કેટલાંક પરપ્રાંતિયોનાં હલલબોલને પગલે તંત્ર હરકતમાં આવી ગયું હતું

  મામલતદાર કચેરી અને પંચાયત કચેરી ખાતે નોંધણી કરી રેલ્વે ટિકિટનાં રૂપિયા જમા કરાવનાર પરપ્રાંતિયોને વતન મોકલવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં વાગરા તાલુકાનાં દહેજ GIDC માંથી લગભગ 1 હજારથી 1500 લોકોએ પોતાના વતન જવા માટે તંત્રને રેલ્વે ટિકિટના રૂપિયા જમા કરાવી દીધા છે. 5 થી 6 દિવસ થવા છતાં દહેજનાં પરપ્રાંતિય શ્રમિકો માટે કોઈ જ વ્યવસ્થા નહીં થતાં હજારો પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતારી આવ્યા હતા. જયારે ગઇકાલે જોલવા ચોકડી ખાતે ચક્કાજામ અને સૂત્રોચ્ચાર વચ્ચે હલ્લાબોલ કરતાં જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દોડી આવી કામદારોને સમજાવ્યા હતા. મુદ્દત મળી હતી જેને પગલે મામલો શાંત પડી ગયો હતો. જોકે આજે ફરી બીજા દિવસે હજારો પરપ્રાંતિય શ્રમિકો પરિવાર સાથે જોલવા ચોકડી ખાતે ઉમટીયા હતા અને ફરીથી ચક્કાજામ કર્યો હતો. વાહનો થંભાવી દીધા હતા અને વતન મોકલવા માટે જીદે ચઢયા હતા. જોકે દહેજ પોલીસની સમજાવટને પણ આજે લોકોએ અવગણીને ચક્કાજામ કરતાં અને પોલીસે વોટરકેનથી પાણીનો મારો ચલાવ્યો હતો.

(6:48 pm IST)