Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સત્ય પરેશાન થઇ શકે પણ પરાજીત નહીં: સત્યમેવ જયતેના સ્લોગન સાથે ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ સ્ટેના આદેશને આવકાર્યો

ગાંધીનગર: ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સ્ટેની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચૂકાદા પર સ્ટે ફરમાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ શિક્ષણંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ટ્વિટ કરીને લખ્યું હતું 'સત્યમેવ જયતે'. 'સત્યમેવ જયતે'ના સ્લોગન સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટના સ્ટે આપ્યા પછી મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત નહીં. પોતે એક તબક્કે રાજીનામું આપી દેવા પણ તૈયાર હતા. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ના પાડતા રાજીનામું ન આપ્યું હોવાની વાત પણ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી.

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો બન્યો છે.  

(5:16 pm IST)