Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત પેકેજ આવકાર્યઃ ફળદુ

રાજકોટ, તા.૧૫: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરેલ રૂ. ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજના બીજા ચરણમાં ખેડૂતો, પર પ્રાંતિય મજૂરો, નાના વેપારીઓ, સ્ટીટ વેન્ડર માટે રૂ.૩.૧૦ લાખ કરોડના પેકેજને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ હૃદયપૂર્વક આવકારતા જણાવ્યું કે, દેશના ૩ કરોડ ખેડૂતોને સસ્તા વ્યાજ દરે રૂ. ૮૬,૬૦૦ કરોડની લોન આપવામાં આવી તેનાથી ખેડૂતોને ફાયદો થશે. તથા પાકની ખરીદી માટે રાજયોને અપાતી નાણાંકીય મદદ રૂ. ૬,૭૦૦ કરોડ સુધી વધારી છે. નાના ખેડૂતો માટેની ઇન્ટ્રેસ સબવેન્સન સ્કીમને ૧લી માર્ચથી વધારીને ૩૧ મે સુધી કરવામાં આવી છે.

ખેડૂતો માટેના કિસાન ક્રેડીટ કાર્ડનો વ્યાપ વધારવામાં આવશે તેમજ ગ્રામિણ વિસ્તારના માળખાકીય સુવિધા માટે રૂ.૪૨૦૦ કરોડ આપવામાં આવ્યાં છે. કોઇપણ રાજયમાં રેશન સરળતાથી મળી રહે તે માટે વન નેશન વન રેશન કાર્ડની ક્રાંતીકારી યોજનાનો અમલ કરવાનો નિર્ણય પણ ખુબ જ આવકારદાયક છે. જેનાથી પરપ્રાંતિય કામ કરતા મજુરોને ફાયદાકારક બની રહેશે.

સ્ટ્રીટ વેન્ડર માટે ૫૦૦૦ કરોડની સ્પેશ્યલ ક્રેડીટ સુવિધાથી ૫૦ લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાતથી પ્રેરણા લઇને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ ૧૦ લાખ જેટલા નાના વેપારીઓ, ફેરીયા, રીક્ષા ચાલકોને લાભ મળશે.

આમ, દેશ અને રાજય આત્મનિર્ભર થાય તે તરફના પ્રયત્નોને મંત્રીશ્રી એ દેશના વડાપ્રધાન તથા નાણાંપ્રધાન તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો છે તેમ કૃષિમંત્રી આર.સી. ફળદુ જણાવે છે.

(3:59 pm IST)