Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુરતથી હરિદ્વાર ટ્રેનમાં ૧૬૭ મુસાફરો ઓછા પહોંચ્યાઃ અધિકારીઓમાં દોડધામ

સુરતથી ૧૩૪૦ યાત્રીકો બેઠેલા પણ હરિદ્વાર ૧૧૭૩ જ ઉતર્યા

સુરતઃ ગુજરાતના સુરતથી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનથી આવનારા ૧૬૭ મુસાફરો લાપત્તા થઈ ગયા છે. જે બાદ અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આ અંગે હરિદ્વારના જિલ્લાધિકારી સી. રવિશંકરે જણાવ્યું કે, સુરતથી પ્રાપ્ત પેસેન્જરોની યાદી અને અહીં ટ્રેનથી પહોંચનારા મુસાફરોની સંખ્યામાં મોટું અંતર છે અને બન્ને આંકડા મેળ નથી ખાઈ રહ્યાં. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો સુરતથી ટ્રેનમાં બેઠા બાદ આ મુસાફરો ગુમ થઈ ગયા છે, તો તે ગંભીર બાબત છે. સુરત વહીવટી તંત્ર પાસેથી પ્રાપ્ત યાદી મુજબ, ૧,૩૪૦ લોકો સ્પેશિયલ ટ્રેનમાં બેઠા હતા. આ ટ્રેન સુરતથી ૧૨-મેના રોજ હરિદ્વાર માટે રવાના થઈ હતી, પરંતુ જયારે આ ટ્રેન હરિદ્વાર સ્ટેશન પર પહોંચી, ત્યારે માત્ર ૧,૧૭૩ મુસાફરો જ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. આ અંગે હરિદ્વારના ડીએમ એ જણાવ્યુ કે, સુરતના અધિકારીઓ સાથે આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. શું ગુમ થયેલા ૧૬૭ મુસાફરોએ પ્રવાસ ખેડ્યો હતો કે તેઓ ટ્રેનમાં ચઢ્યા જ નહતા? જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા માટે દેશના વિભિન્ન ભાગોમાં ૧૧-મેંથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનનો ત્રીજો તબક્કો હાલ ૧૭-મે સુધી લાગૂ છે. વડાપ્રધાન મોદી દ્વારા દેશને કરવામાં આવેલા સંબોધન અનુસાર લોકડાઉનનો ચોથો તબકકો નવા નિયમો સાથે લાગૂ થશે. આ દરમિયાન છેલ્લા ૪૦ કરતાં વધુ દિવસોથી દેશના અલગ-અલગ રાજયોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થી સહિત અન્ય લોકો માટે સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો હોવાના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.

(3:02 pm IST)