Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પોલીસ સ્ટાફ અમારા 'હાથ-પગ' જ નહિ, અમારા આંખ-કાન પણ એ જ છે, અમે તેનું ધ્યાન ન રાખીએ તો કોણ રાખે? અજયકુમાર તોમર

પોલીસ સ્ટાફની સારવાર વિનામુલ્યે કરાવવાના દેશના પ્રથમ અભિયાનના પ્રણેતા સાથે અકિલાની વાતચીત : ૭ એસીપીને નોડલ ઓફિસર તરીકે નિમ્યા : મૂળ રાજકોટના ભગીરથસિંહ ગોહિલ (મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ) સ્પે. પોલીસ કમિશ્નર મુખ્ય નોડલ ઓફિસર તરીકે મેડીકલ એસોસીએશનના સંપર્કમાં રહેશે : ૧૦૦ તબીબો સેવા આપશે : શ્રેષ્ઠ હોસ્પિટલોના લીસ્ટ જાહેર કરાયા

રાજકોટ, તા., ૧૫: અમારો સ્ટાફ જ ફકત અમારા 'હાથ-પગ' જ નહિ, 'આંખ' અને 'કાન' પણ અમારા નાના કર્મચારીઓ  છે, તેનું ધ્યાન અમે નહિ રાખીએ તો કોણ રાખશે? ઉચ્ચ અધિકારીઓ તો સૂચના આપે પરંતુ ધોમધખતા તાપમાં ફરજ બજાવી લોકોની  નારાજી સેવી અને લોકડાઉનનો કડક અમલ  પોલીસ સ્ટાફ જ કરાવતો હોવાથી આવો પોલીસ સ્ટાફ જયારે બિમાર પડે ત્યારે અમારી ફરજ છે કે તેને વિનામુલ્યે સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર મળે તેમ અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની લાગણીસભર વાતચીતમાં  જણાવ્યું હતું.

અજયકુમાર તોમર અમદાવાદ મેડીકલ એસોસીએશનના સહકારથી પોલીસ જવાનોને તેમની બિમારીનું સચોટ નિદાન થાય અને તેઓને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે તો પોલીસ સ્ટાફને કોઇ પણ જાતના ખર્ચ વગર ઉતમ પ્રકારની સારવાર આપવાના દેશભરમાં અનોખા પ્રોજેકટ અંગે અકિલા સાથે વિસ્તૃત વિવરણ કરતા જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે પોલીસ સ્ટાફને ડોકટરોનો સંપર્ક સાધવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે ૭ જેટલા મદદનીશ પોલીસ કમિશ્નરોની ઝોનવાઇઝ નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ માટે મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો. મોના દેસાઇ દ્વારા ૧૯૧ ડોકટરોનું લીસ્ટ પણ પોલીસ સ્ટાફની સારવાર માટે જાહેર કરવામાં આવ્યું છે. તમામ નોડલ ઓફીસરો ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશ્નર ભગીરથસિંહ વી.ગોહીલને મુખ્ય નોડલ ઓફીસર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.  સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર  કે જેઓેએ કોરોનાગ્રસ્ત પોલીસ સ્ટાફને સિવિલ હોસ્પિટલમાં કોઇ રૂમ તો ઠીક એક પલંગ પણ ફાળવવામાં ન આવતા ચોકી ઉઠયા હતા. અજયકુમાર તોમરે આરોગ્ય કમિશ્નર સાથે ચર્ચા કરી સંક્રમીત પોલીસ સ્ટાફને એસી રૂમ અપાવ્યો હતો. અમદાવાદના પોલીસ સ્ટાફમાં ભારે માનની લાગણી ધરાવતા અજયકુમાર તોમરની વિનંતીથી જ મેડીકલ એસોસીએશન વિનામુલ્યે સેવા આપવા સહર્ષ સંમતી દર્શાવી છે.

(12:08 pm IST)