Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં 23 પ્રસુતાઓ કોરોના સંક્રમિત

રસીકરણ વિભાગના મહિલા મેડિકલ ઓફિસરને પણ કોરોના પોઝિટિવ

અમદાવાદ :અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પ્રસુતા મહિલાઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બની હોવાનું જાણવા મળે છે. રસીકરણ વિભાગના મહિલા મેડિકલ ઓફિસરને પણ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ૨૩ જેટલી પ્રસુતા મહિલાઓે કોરોના સંક્રમીત બની છે. જેઓને સારવાર માટે સિવિલ સહિતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

શારદાબહેન હોસ્પિટલમાં પીપી યુનિટના મહિલા એમઓ ડૉ.આરતીબહેન નાયક કોરોના સંક્રમીત બન્યા છે. રસીકરણ વિભાગના હેડને કોરોના થતા તેની નીચે કામ કરતા સ્ટાફ અને ખાસ કરીને નાના બાળકોને રસીઓ મૂકવાનું કામ કરતો સ્ટાફ પણ સંક્રમીત બન્યો હોવાની શક્યતા રહેલી છે. આ વિભાગમાં બાળકોને રસી મૂકવાની કામગીરી થતી હોવાથી નાના બાળકોને સંક્રમણ જોખમ વધ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ આ હોસ્પિટલમાં દાખલ થયેલી શંકાસ્પદ લક્ષણો ધરાવતી ૨૬ જેટલી પ્રસુતા મહિલાઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી ૨૩ કેસમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને લઇને હોસ્પિટલતંત્રમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રસુતાઓના સીધા સંપર્કમાં રહેનાર અને નવજાત બાળકોને રસી મૂકવાનું કામ કરતા રસીકરણ વિભાગના એમઓ પણ કોરોનામાં સપડાયા છે. તે જોતા બાબત ગંભીર બની ગઇ છે. નવજાત બાળકોના હિતમાં તથા બહારથી રસી મૂકાવવા આવતા બાળકોના હિતમાં રસીકરણ વિભાગના સ્ટાફના પણ તાત્કાલિક ધોરણે સેમ્પલો લઇને તેઓને હાલમાં 'હોમ કર્વારન્ટાઇન 'કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.

આ મામલે જો હોસ્પિટલ તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવાશ ે તો નવજાત બાળકોના જીવન સામે પણ મોટું જોખમ ઉભું થવાની શક્યતા રહેલી છે. નોંધપાત્ર છેકે મોટાભાગના અર્બન હેલ્થ સેન્ટરોમાં રસીકરણની કામગીરી લગભગ બંધ પડી છે. આથી લોકો મોટી સંખ્યામાં શારદાબહેન હોસ્પિટલમાં રસી મૂકાવવા આવતા હોય છે. જેને જોતા સંક્રમણ વધુ ફેલાવાનું પુરેપુરૂ જોખમ રહેલું છે

(12:05 pm IST)