Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ટેકાના ભાવે કપાસની ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા કેન્દ્રીય કાપડમંત્રીને રજૂઆત કરતા સીએમ વિજયભાઇ રૂપાણી

ગત તા. ૧પ એપ્રિલથી રાજયમાં ઘઉં-તુવેર-ચણા-રાયડો-મગફળી-તમાકુ અને કપાસની ટેકાના ભાવથી ખરીદી ચાલુ

અમદાવાદ ,તા.૧૫ : ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોના હિતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીશ્રીને રજૂઆત કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કપાસનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજયમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે.

સચિવ અશ્વિનીકુમારે ખેડૂતના હિતમાં રાજય સરકારે ટેકાના ભાવે કરેલ ખરીદીની વિગતો આપતાં જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ખેડૂતોને લોકડાઉનની સ્થિતીમાં પણ તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે જેના ભાગરૂપે તા. ૧પ એપ્રિલથી અત્યાર સુધીમાં રાજયમાં ગુજકોમાસોલ, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. અને સીસીઆઇના મારફતે કપાસની ખૂબ જ મોટા પ્રમાણમાં રાજયના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પાસેથી તા. ર૭ એપ્રિલથી અત્યાર સુધીમાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા કુલ રૂ. ર૬.૪ર કરોડના ૧૩,૭રર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જયારે તા.૧ મે થી અત્યાર સુધીમાં આશરે રૂ. ર૦ કરોડથી વધુ કિંમતની ૩૩૮૩ મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા તા. ૧ મે થી અત્યાર સુધીમાં રૂ. ૧૧૯ કરોડના કિંમતના ર૪,૩૭૦ મે.ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. જયારે રૂ. ૧૭ કરોડની કિંમતના ૩૭પ૭ મે. ટન રાયડાની પણ ખરીદી કરીને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીના સચિવએ કહ્યું હતું કે, હાલમાં રાજયમાં કુલ-૧ર૭ માર્કેટયાર્ડ કાર્યરત છે જેના માધ્યમથી રાજયના ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં કુલ-૪૦ લાખ કિવન્ટલ અનાજની ખરીદી કરવામાં આવી છે. જેમાં ૧૩ લાખ કિવન્ટલ ઘઉં, ૯.પ લાખ કિવન્ટલ એરંડા, ર લાખ કિવન્ટલ રાયડો, ૧.૬૦ લાખ કિવન્ટલ ચણા, ૧.૯૦ લાખ કિવન્ટલ કપાસ, ૮ર,૦૦૦ કિવન્ટલ મગફળી જયારે ૩૭,૪૪ર કિવન્ટલ તમાકુનો સમાવેશ થાય છે.

આ તમામ ખરીદી વખતે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને SMSના  માધ્યમથી જાણ કરીને માસ્ક સાથે સંપૂર્ણ સામાજિક અંતર જાળવીને આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ રાજય સરકારે ધરતીપુત્રો પાસેથી તેમની જણસ ટેકાના ભાવે ખરીદીને તેમનું પુરતું વળતર આપ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(11:38 am IST)