Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

નવુ સત્ર શરુ ન થાય ત્યાં સુધી શાળાઓ ફી માંગી શકશે નહીં : ગેરકાયદેસર ગણાશે

નવા ધોરણ કે વર્ગમાં પ્રવેશ મળ્યો નથી એવામાં ફીની ઉઘરાણી કરવી અયોગ્ય

અમદાવાદ : કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હવે ચોથું લોકડાઉન શરૂ થવાનું છે. આવા સમયમાં ખાનગી સ્કૂલ તરફથી વાલીઓને નવા સત્રની ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે મોટો વિવાદ થયો છે. વાલીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

જોકે, ફીના મામલે સ્પષ્ટતા કરતા રાજ્યના સંયુક્ત સચીવ વી.ટી.મંડોરાએ જણાવ્યું હતું કે, શાળાના સંચાલકોએ મહામારીના આ સમયમાં વાલીઓ સાથે માનવતાના ધોરણે રાહત આપવી જોઈએ. બીજી તરફ અત્યારે સ્કૂલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું જ નથી તો ફી માગવાનો પ્રશ્ન જ નથી. આથી શૈક્ષણિક સત્ર શરૂ નહીં થાય ત્યાં સુધી રાજ્યની એક પણ સ્કૂલ ફી માગી શકશે નહી. સુરતમાં એલ.પી. સવાણી અને પી.બી. પટેલ જેવી સ્કુલોએ વાલીઓ પાસે ફીની માંગ કરી હતી. ગુજરાત બોર્ડની સ્કૂલ એપ્રિલમાં શરૂ થવાની હતી. પણ લોકડાઉનને કારણે તે શરૂ થઈ શકી નથી.

ત્યાર બાદ તા. 8 જૂનના રોજ સ્કૂલ શરૂ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. પણ હવે જૂન મહિનામાં સ્કૂલ શરૂ થશે કે કેમ એ અત્યારથી કહી શકાય એમ નથી. આવી જ સ્થિતિ CBSE બોર્ડની સ્કૂલની છે. શિક્ષણ વિભાગ માટે પણ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે, ખરેખર સ્કૂલ ક્યારે શરૂ થશે. નવા સત્રનો પ્રારંભ ક્યારે થશે. એવામાં ખાનગી સ્કૂલના સંચાલકો વાલીઓને ફી ભરવા માટેનું દબાણ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગના નિષ્ણાંતોએ કહ્યું હતું કે, સત્ર શરૂ થાય એ પહેલા જ વિદ્યાર્થીઓને એડમિશન આપવું એ ગેરકાયદેસર ગણવામાં આવે છે.

નવા ધોરણ કે વર્ગમાં પ્રવેશ મળ્યો નથી એવામાં ફીની ઉઘરાણી કરવી અયોગ્ય છે. શિક્ષણ જગતના નિષ્ણાંતોએ વાલીઓને રાહત આપવા માટેની વાત કરી હતી. જોકે, કેટલીક સ્કૂલે તો ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા હતા. જેને લઈને અનેક વાલીઓએ પ્રશ્ન ઊઠાવ્યા હતા. જ્યાં એક ધોરણનું પરિણામ આવ્યું નથી ત્યાં બીજા ધોરણના વિષયોની સમજ આપવી કેટલી યોગ્ય છે? જોકે, કેટલીક ખાનગી સ્કૂલે તો જૂન મહિનામાં સત્ર શરૂ થઈ જશે એવી ખાતરી પણ આપી હતી.

(10:53 am IST)