Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા

રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કયા વિસ્તારમાં કેવી આર્થિક પ્રવૃતિને છુટ આપવી તેની કેન્દ્રને રજૂઆત મોકલશેઃ ગુરૂવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને નીતિનભાઇની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સમગ્ર રાજયની સમીક્ષા કરાઇ

અમદાવાદ, તા.૧૫: દેશભરમાં સોમવારથી લોકડાઉન-૪ નવા રૂપરંગ સાથે લાગુ થવા જઇ રહ્યું છે ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત ગુજરાતના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેવા પ્રકારની આર્થિક પ્રવૃતિઓને છૂટછાટ મળવી જોઇએ એની રજૂઆત કેન્દ્રને કરવામાં આવનાર છે. ગુરૂવારે બપોરે મંત્રી નિવાસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર રાજયની કોરોનાના સંક્રમણના વ્યાપ અને વિસ્તારની સમીક્ષા કરી એક અહેવાલ તૈયાર કરાયો છે.

લોકડાઉન-૩ના અમલ વખતે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામીણ અર્થતંત્રને ધીમે ધીમે ગતિ આપવા માટે કેટલાક વ્યવસાય, વેપાર અને ધંધાને છુટ આપવામાં આવી હતી. એમાં કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત જાહેર બાંધકામના કામકાજ શરૂ કરાયા છે. રાજયમાં અંદાજે ૭૦ ટકા વિસ્તારોમાં આવી પ્રવૃત્ત્િ।ને સોશીયલ ડિસ્ટન્સિંગ સહિત માનવીય સલામતીને ધ્યાનમાં રાખી શરૂ કરવાના પ્રયાસ થયા છે, તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, હવે જયારે કોરોનાના વાયરસની સ્થિતિ છે ત્યારે ધીમે ધીમે અર્થતંત્રને ગતિ મળે એવી દિશામાં વિચારવું પડે એમ છે.

'અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને ભાવનગરને બાદ કરતાં આપણે અત્યાર સુધીમાં રાજયના જુદા જુદા વિસ્તારોમાં કામકાજ શરૂ કરાવ્યા છે. ૭૦ ટકા ગુજરાતના વેપાર, ધંધા, એપીએમસી, મોટા બજારોની પ્રવૃત્તિ શરૂ થઇ છે. હવે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા અને કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિને છુટછાટ આપી શકાય તેની ભલામણ માટે સરકારની ઉચ્ચસ્તરીય કમિટીની આજે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી રહી છે. આ બેઠકમાં ચર્ચા વિચારણા કરી કેન્દ્ર સરકાર લોકડાઉન-૪નો અમલ કરવાની જાહેરાત કરે એમાં ગુજરાતની ભલામણોનો અમલ થાય એ દિશામાં આપણે રજૂઆત કરવાના છીએ.'

(10:33 am IST)