Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ટ્રેન ક્યારે આવશે ? : બારડોલીમાં નોંધણી કરાવી છતાં છ દિવસે નંબર નહીં આવતા પરપ્રાંતીયો ટાઉનહોલ ઉમટ્યા : ભાજપ આગેવાનો દોડ્યા

ટ્રેન મામલે પરપ્રાંતીયોએ હોબાળો મચાવતા ભાજપ આગેવાનોએ સમજાવી મામલો થાળે પાડ્યો

બારડોલીમાં વતન જવા માટે નોંધણી કરવાના 6 દિવસ બાદ પણ નંબર નહીં આવતા પરપ્રાંતિયો ટાઉન હૉલ ખાતે ઉમટ્યા હતા અને ટ્રેન ક્યારે આવશે એવી પૃચ્છા કરી હોબાળો મચાવતા ભાજપ આગેવાનો સ્થળ પહોંચી ગયા હતા અને જલ્દી જ ટ્રેન મળે એટલે રવાના કરવામાં આવશે એવું સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

           આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી શહેર અને તાલુકા રહેતા પર પ્રાંતિયો વતન જવા માટે બારડોલી શહેર ભાજપ કાર્યાલય ખાતે નોંધણી શરૂ કરવામાં આવી હતી. જેમાંથી ગત દિવસો દરમ્યાન  બાબેન અને આજુબાજુના કેટલાક મજૂરો સુરતથી ટ્રેનના માધ્યમથી વતન રવાના કરાયા હતા. હજી બાકી રહી ગયેલા મજૂરોનો નંબર નહીં આવતા 50 થી 60ના ટોળાંમાં પરપ્રાંતિયો ટાઉન હૉલ ખાતે પહોંચી ગયા હતા અને વોચમેનને ટ્રેન ક્યારે આવશે અને ક્યાંથી  ઉપડશે તે અંગેની પૂછપરછ શરૂ કરતાં વોચમેને ભાજપ અગ્રણીઓને જાણ કરી હતી. આથી ભાજપ અગ્રણીઓ તાબડતોડ ટાઉન હૉલ પહોંચી આ ગયા હતા અને મજૂરોને સમજાવવાની શરૂઆત કરી હતી. મજૂરોને ટ્રેન અંગે યોગ્ય માહિતી મળતી ન હોય તેઓ ત્યાં ધસી આવ્યા હતા. ટ્રેનની મંજૂરી મળે એટલે તમામને વતન રવાના કરવામાં આવશે એ રીતની સમજણ આપતા મામલો થાળે પડ્યો હતો અને મજૂરો તેમના ઘર રવાના થયા હતા.

         બારડોલી અને આજુબાજુના ગામમાં રહેતા બિહારના 214 લોકોની ટ્રેનની ટિકિટ કન્ફર્મ થતાં તેમને શુક્રવારના રોજ સુરતથી ટ્રેનમાં બેસાડી વતન રવાના કરવામાં આવશે. ભાજપા દ્વારા નોંધણી કરાયેલ મજૂરો પૈકી બિહાર જતી ટ્રેનમાં બાબેન ગામના 90 અને બારડોલી નગરના 124 લોકોની ટિકિટ કન્ફર્મ થઈ હોવાનું જાણવા મળે છે. તેમને શુક્રવારે બપોરે બારડોલીથી એસટી બસના માધ્યમથી સુરત રેલ્વે સ્ટેશન લઈ જવાશે ત્યાંથી તેઓ ટ્રેનમાં બેસી પોતાના વતન જવા રવાના થશે.

(10:45 pm IST)