Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ગુજરાતમાં જુન ઉતરાર્ધ પહેલા ચોમાસુ બેસશે, તમામ વિભાગોને સજ્જ કરતા મુખ્ય સચિવ

સરકારે વરસાદ પૂર્વેના આયોજનની 'છત્રી' ખોલી : સંભવિત પુર-વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા એકશન પ્લાનઃ ૩-૩૦ વાગ્યેથી મહત્વની બેઠક

રાજકોટ, તા., ૧પઃ ગુજરાતમાં ચોમાસાના આગમનની પુર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજય કક્ષાએ કાયમી ધોરણે કંટ્રોલ રૂમ ચાલે છે. જીલ્લાવાર ચોમાસુ કંટ્રોલ રૂમ તા.૧ જુનથી શરૂ થઇ જશે. સંભવિત પુર અને વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજયના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે આજે બપોરે ૩.૩૦ વાગ્યાથી ગાંધીનગર ખાતે સંબંધિત તમામ વિભાગોના ઉચ્ચ અધિકારઓની બેઠક બોલાવી છે.

અછત કરતા તદન ઉલ્ટા પ્રકારની પરિસ્થિતિ ચોમાસામાં સર્જાઇ શકે છે. હવામાન ખાતાએ ગુજરાતમાં ચોમાસુ બેસવાની ચોક્કસ તારીખની આગાહી કરી નથી પરંતુ કેરળમાં ૧૬ જુને ચોમાસુ બેસવાનો વર્તારો છે. તેને અનુલક્ષીને ગુજરાતમાં ત્યાર પછીના ૮ -૧૦ દિવસે ચોમાસુ બેસશે તેવી ધારણા છે. તે પુર્વે છુટ્ટો છવાયો વરસાદ થઇ શકે છે. આજની બેઠકમાં હવામાન ખાતાના અધિકારીઓને પણ બોલાવાયા છે. ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં સ્થળાંતરની વ્યવસ્થા, પાણીનો નિકાલ, બચાવ અને રાહત, અનાજ અને વિજળીના પુરવઠાની વ્યવસ્થા, જરૂર પડે તો નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને લશ્કરની મદદ લેવા સુધીના મુદાઓની ચર્ચા આજની બેઠકમાં થવા પાત્ર છે.

(3:57 pm IST)