Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ધોરણ-૧૦નું પરિણામ મેના ચોથા સપ્તાહમાં જાહેર કરાશે

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના : પરિણામ જાહેર કરવાને લઇને આજે બોર્ડના અધિકારીઓ તેમજ પરીક્ષા સચિવો સહિતના સત્તાધીશોની બેઠક યોજાશે

અમદાવાદ,તા. ૧૫ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું કાઉન્ટડાઉન્ટ શરૂ થઈ ચૂક્યું છે. આગામી તા.૨૩ મેથી ૨૮ મે સુધીમાં બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દેવાય તેવી શકયતા છે, જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૩૦ મી મે સુધીમાં જાહેર કરાય તેવી સંભાવના છે. ધોરણ-૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે. ધોરણ-૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામને લઇ આવતીકાલે બોર્ડના અધિકારીઓ અને પરીક્ષા સચિવ સહિતના સત્તાધીશોની મહત્વની બેઠક પણ યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમદાવાદ શહેરનું ૭૧.૫૨ ટકા અને અમદાવાદ ગ્રામ્યનું ૭૦.૧૩ ટકા પરિણામ આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાઈ છે. ગત વર્ષે ધોરણ-૧૦ના જાહેર કરાયેલા પરિણામમાં ૭૯.૨૭ ટકા સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો હતો. ગત તા.૨૯ મે ના રોજ સોમવારે વર્ષ ૨૦૧૭નું પરિણામ જાહેર કરાયું હતું. આ વર્ષે તેનાથી ત્રણેક દિવસ વહેલું પરિણામ જાહેર થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે પ્રિન્ટિંગ અને કમ્પ્યૂટર વિભાગ સાથે પરીક્ષા સચિવ અને બોર્ડના અધિકારીઓની એક મિટિંગ ગાંધીનગર ખાતે મળશે. જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં  પ્રિન્ટિંગ-માર્કશીટ અંગેનું કેટલું કામ બાકી છે, ક્યારે માર્કશીટ જે તે જિલ્લા કેન્દ્રમાં ડિસ્પેચ થઈને પહોંચી જશે સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બોર્ડ દ્વારા ઓનલાઇન પરિણામ જોવાની વ્યવસ્થાની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને એ જ દિવસે માર્કશીટ મળી જાય તેની મહત્વની વ્યવસ્થા કરવાની હોય છે, તેથી તેનું આયોજન પણ બોર્ડ દ્વારા કરાયું છે.

(8:05 pm IST)