Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સાબરમતી ઉપર મેટ્રો ટ્રેનના પ્રોજેકટનું કામ ઝડપથી શરૂ

સાબરમતી પર ૨૫૦ મીટર લાંબો બ્રિજ બનાવાશે : પ્રોજેકટનું કાર્ય જૂન-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનું મેગા કંપનીનું આયોજન : વર્ષના અંત સુધીમાં મેટ્રોની મુસાફરી

અમદાવાદ,તા. ૧૫ : શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરીડોર માટે સાબરમતી નદી પર ૨૫૦ મીટર લાંબો બ્રિજ બનાવવાની કામગીરી આખરે ઝડપભેર શરૂ કરી દેવાઈ છે. સાબરમતી નદી પર આ બ્રિજ તૈયાર કરવા શાહપુર શંકરભુવન નજીક નદીમાં ટેમ્પરરી બ્રિજ તૈયાર કરી તેની મદદથી પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. આ પ્લેટફોર્મ પરથી મેટ્રો માટે બ્રિજ તૈયાર કરાશે. શંકરભુવનથી દિનેશ હોલ સુધી નદીના પટમાં બ્રિજ માટે બહુ મજબૂત અને વિશાલ એવા છ પિલર તૈયાર કરાશે. સાબરમતી નદી પરના બ્રીજના પ્રોજેકટની સંપૂર્ણ કામગીરી જૂન-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનું મેગા કંપનીનું આયોજન છે. તો સાથે સાથે આ વર્ષના અંત સુધીમાં શહેરીજનોને મેટ્રો ટ્રેનની મુસાફરીની મોજ મનાવવા માટે સત્તાવાળાઓ દ્વારા પ્લાનીંગ હાથ ધરાઇ રહ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલથી થલતેજ સુધી અને નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્ટોબર-૨૦૧૮ સુધીમાં સૌથી પહેલી ટ્રેન ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી દોડતી થવાનો દાવો મેગા કંપનીએ વ્યક્ત કર્યો છે. જ્યારે ફેઝ-૧નું સંપૂર્ણ કામ ૨૦૧૯ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. એપેરલ પાર્કથી શાહપુર વચ્ચેના ૬.૩૩ કિલોમીટર લાંબા વિસ્તારમાં મેટ્રો દોડાવવા ખાસ ટનલ બનાવાશે. જ્યારે અન્ય તમામ વિસ્તારોમાં એલિવેટેડ કોરિડોરમાં મેટ્રો દોડશે. મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં ૧૩ એલિવેટેડ સ્ટેશન, ૪ સ્ટેશન ટનલમાં ઊભા કરાશે. જ્યારે નોર્થ-સાઉથ કોરિડોરમાં કુલ ૧૫ એલિવિટેડે સ્ટેશન ઊભા કરાશે. એપેરલ પાર્ક તેમજ ગ્યાસપુર ખાતે ડેપો અને મેઈનટેન્સ ડેપો બનાવાશે. ઓક્ટોબર-૨૦૧૮ સુધીમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે મેટ્રો દોડાવવા લગભગ ૬૦ ટકા કામ પૂરૃં કરી દેવાય તેવી શકયતા છે. એલિવેટેડ કોરિડોર અને સ્ટેશન પણ તૈયાર કરી દેવાયા છે. મેટ્રો ટ્રેનના પ્રથમ ચરણમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોર તેમજ નોર્થ-સાઉથ કોરિડોરમાં ૩૨ જેટલા સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મેટ્રો ટ્રેન આવે ત્યારે દોડાદોડીમાં કોઈ પેસેન્જરો કે બાળક પ્લેટફોર્મ પરથી પડી જાય, કોઈને કરંટ લાગે, ટ્રેક સાફ રહે તે માટે તમામ સ્ટેશન પર લગભગ ૧૭૫ કરોડ રૂપિયાના ખર્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમ લગાવાશે. જેના પગલે ટ્રેન આવે ત્યારે સેન્સર સિસ્ટમથી દરવાજો ખુલશે અને કોચમાં પેસેન્જરો ચઢી શકશે. સિસ્ટમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક સ્ટેશનો પર સ્ક્રીન ડોર સિસ્ટમ કાર્યરત કરી દેવાઈ છે જ્યારે અન્ય સ્ટેશનો પર કામગીરી ચાલુ છે. અમદાવાદ મેટ્રોમાં પણ તમામ સ્ટેશનના પ્લેટફોર્મને ગ્લાસ ડોરથી બંધ કરવામાં આવશે અને તેમાં સ્ક્રીન ડોર સિસ્ટમ લગાવવામાં આવશે. જે ટ્રેન આવતા સેન્સરની મદદથી ખૂલી શકશે. પ્રથમ ચરણમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી મેટ્રો અંડરગ્રાઉન્ડ દોડશે. જેમાં તૈયાર થનારા ૪ સ્ટેશનને પ્લેટફોર્મથી છત સુધી સંપૂર્ણ ઢાંકી દેવાશે. જ્યારે બાકીના તમામ એલિવેટેડ રૂટ પર તૈયાર થનારા તમામ સ્ટેશન પર પ્લેટફોર્મથી ૧.૭ મીટર એટલે કે લગભગ ૫.૫ ફૂટ ઊંચા ગ્લાસની આડાશ મૂકી દરવાજા લગાવાશે. ટ્રેન આવે ત્યારે દોડાદોડીમાં કોઈ પેસેન્જરો પ્લેટફોર્મ પરથી પડી જાય, કોઈને કરંટ લાગે, ટ્રેક સાફ રહે તેના માટે ૧૭૫ કરોડના ખર્ચે અસરકારક સીસ્ટમ લાગુ કરવામાં આવશે. મેટ્રો ટ્રેનના સત્તાવાળાઓ આ વર્ષના અંત સુધીમાં શહેરીજનો મેટ્રોની મુસાફરીનો આનંદ માણી શકે તેવા આયોજનમાં લાગ્યા છે.

(7:52 pm IST)