Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભરૂચ પાસે નર્મદાનો અેક સમયનો હરીયાળો પટ્ટો સમુદ્રનું પાણી ઘુસી જતા સફેદ રણસમાન બની ગયું

ભરૂચઃ ધોમધખતા તાપમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્‍યારે ભરૂચ પાસે નર્મદાનું અેક સમયનો હરિયાળા પટ્ટામાં સમુદ્રનું પાણી ઘૂસી જતા સફેદ રણ સમાન બની ગયો છે.

સરોવર ડેમમાંથી નિયમ મુજબ 600 ક્યુસેક પાણી છોડવાનું હોય છે, પરંતુ કેટલાક વર્ષોથી તે યોગ્ય પ્રમાણમાં નહિ છોડાતા દરિયાનું પાણી 45 કિમી કરતા પણ આગળ ધસી આવ્યુ છે, જેના કારણે આ સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે.

સમગ્ર રાજ્યની જોવાદોરી ગણાતી પાવન સલિલામાં નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડાતા સમુદ્રના ખારા પાણી નદીને ભરખી રહ્યા છે અને નદીના પટ પર સફેદ રણ જેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે ભરૂચની વિવિધ સંસ્થાઓ દ્વારા આ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

માં નર્મદા સાચા અર્થમાં જીવાદોરી સમાન બની રહી છે. અને તેના જળથી એક સમયે જ્યાં બંજર જમીનો હતી ત્યાં હરિયાળી છવાઈ ગઈ છે, પરંતુ સરકારના ઉદાસીન વલણ કહો કે પાણીના વિતરણ માટેની અણઆવડત, હાલમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. ભરૂચ જિલ્લાને માં નર્મદાના ચરણ કમલ કહેવામાં આવે છે કારણ કે ભરૂચથી 30 કિમિ દૂર નર્મદા નદી સમુદ્રને મળે છે. એક સમય હતો જયારે નર્મદા નદી ભરૂચ નજીક બંને કાંઠે વહેતી હતી, પરંતુ હાલમાં નર્મદા નદીનું સ્વરૂપ બિહામણું જોવા મળી રહ્યું છે. નર્મદા નદીમાં હાલ માત્ર 50 મીટર જેટલો પાણીનો પટ રહી ગયો છે. અને તે પણ છીછરો. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પાણીમાં સતત ઘટાડો થતા દરિયાનું પાણી ભરતી વખતે આગળ ધસી આવે છે. અને આ ખરું પાણી હાલમાં 45 કિમિ કરતા પણ આગળ ધસી ગયું છે. જેના કારણે જિલ્લાની અનેક એકર જમીન બંજર બનવા તરફ છે. નર્મદા નદીમાં મીઠા પાણીના અભાવના કારણે નર્મદા નદીના પટ પર ખારાશ જોવા મળી રહી છે. લીલોછમ પટ્ટ આજે સફેદ રણ જેવો લાગી રહ્યો છે. ત્યારે નર્મદાના અસ્તિત્વને ટકાવવા માટે સરકાર પાસ ભરૂચના લોકો રજૂઆત કરી રહયા છે ઉપરાંત ભરૂચની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પિટિશન દાખલ કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

સરકાર સમક્ષ આ અંગેની રજૂઆત કરવામાં આવી છે અને એક માત્ર વિકલ્પ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે એ માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં વધારે પાણી છોડવા માટે પીટીશન દાખલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સરકાર પગલાં લેશે એવી અમારી આશા છે. સીટીઝન તરીકે આપને સોએ જાગૃત થવું પડશે અને ખારપાટ દુર થાય એ માટે પગલા લેવા પડશે.

(7:31 pm IST)