Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

નાની બહેનના લગ્નમાં નાચવા બાબતે ઠપકો મળતા વડોદગામની મોટી બહેને ફાસો ખાધો

વડોદગામ:લગ્નના ત્રણ દિવસ પહેલાં વડોદગામની યુવતીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. નાની બહેનના લગ્નના એક દિવસ પહેલાં ડીજેમાં નાચતી વખતે પરિવારના સભ્યોએ કામ બાબતે ઠપકો આપતાં તેણીને માઠું લાગી આવતાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ વડોદગામમાં રહેતી આરતી અશોક સોલંકી (ઉં.વ. ૧૯)ની આજે સવારે ઘરમાંથી લાશ મળી આવી હતી. આરતીએ ઘરમાં ખાટલાની પટ્ટીઓ છતની હૂક સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે. મૃતક આરતી નવ ભાઈ-બહેનમાં બીજા ક્રમની હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૧૭મીએ આરતીના લગ્ન લેવાયા હતા. જ્યારે આજરોજ તેણીની નાની બહેનના લગ્ન હતા. જેને પગલે ગઈકાલે રાત્રે ડીજેમાં આરતી સહિતના ભાઈ-બહેન અને સંબંધીઓ નાચી રહ્યા હતા ત્યારે આરતીને પરિવારના સભ્યોએ કામ કરવાને લઈ ઠપકો આપ્યો હતો. આરતી ગુસ્સાવાળા સ્વભાવની હોય તેણીને માઠું લાગી આવ્યું હતું. દરમિયાન આજે સવારે તેણીએ ઘરમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. લગ્નની ઉજવણીના માહોલ વચ્ચે બનેલી આ કરુણાંતિકાને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.

(4:40 pm IST)