Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

માતરના ખોડિયાર બ્રિજ પર ટેમ્પામાં આગ ભભૂકતા દોડધામ

માતર:નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલા માતર ખોડીયાર ઓવરબ્રીજ ઉપરથી પસાર થતાં છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી છોટા હાથી ટેમ્પો સળગી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ આગ બુઝાવી હતી. આ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના ટુંડેલમાં રહેતા સુરાગભાઈ દિનશચંદ્ર રાણા ગત તા.૧૨-૫-૧૮ ના રોજ છોટા હાથી ટેમ્પા નં. જીજે-૦૭ યુયુ-૯૮૯૯ માં અમદાવાદ અસલાલી ખાતેથી ગોડાઉનમાંથી પતંગો બનાવવાની વાંસની સળીઓ તથા છત્રીઓ બનાવવાની જાળીઓ ભરી નડિયાદ તરફ આવતો હતો ત્યારે નેશનલ હાઈવે નં. ૮ માતર ખોડીયાર ઓવરબ્રીજ પરથી પસાર થતો હતો. આ દરમિયાન ટેમ્પામાં પાછળ ભરેલ સરસામાન સળગી ઉઠ્યો હતો. જેની જાણ થતાં ટેમ્પા ચાલકે સાવચેતી પૂર્વક ટેમ્પાને રોડની સાઈડમાં લઈ જઈ ઉભો રાખી ઉતરી ગયો હતો. ટેમ્પામાં આગ લાગતાં વાંસની સળીઓ તથા છત્રીઓની જાળીઓ મળી રૂ. બે લાખનું નુકસાન થયું હતું. આ આગની જાણ થતાં ફાયરબ્રીગેડની ટીમે દોડી આવી આગને બુઝાવી હતી.

આ બનાવ અંગે સુરાગભાઈ રાણાએ જાણ કરતા માતર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

(4:37 pm IST)