Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કપડવંજના સુથારવાડામાં વિધવા સહાયના બહાને સમાજ સેવિકાએ 1.19 લાખની છેતરપિંડી આચરી

કપડવંજ: સુથારવાડામાં રહેતી વિધવાને વિધવા સહાય અપાવવાનું કહી કહેવાની સમાજ સેવિકાએ ફોટા પડાવવાનું કહી સોનાના દાગીના તેમજ મોબઈલ મળી કુલ રૂ. ,૧૯,૫૦૦ની મત્તા લઈ છેતરપિંડી કર્યાના બનાવ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી સમાજ સેવિકાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ સુથારવાડામાં વિનોદચંદ્ર સાંકલચંદ સુથાર રહે છે. ગત તા. ૧૧-૫-૨૦૧૮ના રોજ સઈદાબાનુ ફિરોજખાન નામની મહિલા સુથારવાડામાં ગઈ હતી. જ્યાં વિનોદચંદ્ર સુથારની પુત્રવધુ વિધવા હોઈ સઈદાબાનુએ પોતે સમાજ સેવાનું કામ કરે છે તેમ કહી વિધવા સહાયનું અરજી ફોર્મ આપી વિધવા સહાય પેટે રૂ. ૨૪૦૦૦ અપાવવાની લોભામણી વાતો કરી હતી પરંતુ અરજી ફોર્મમાં પાસપોર્ટ ફોટા લગાવવા પડશે તેમ કહી વિધવા પુત્રવધુને તેણે પહેરેલ સોનાની બંગડીઓ, ત્રણ તોલાની રૂ. ૭૫૦૦૦, મોબાઈલ કિંમત રૂ. ૭૦૦૦ તથા સોનાની ચેઈન દોઢ તોલાની કિંમત રૂ. ૩૮,૫૦૦નું મળી કુલ રૂ. ૧,૧૯,૫૦૦ની મત્તા ફોટા પડાવવાના હોઈ કઢાવીને પાકીટમાં મૂકાવ્યા હતાં. આ પાકીટ બેગમાં મૂકાવ્યા હતાં બાદમાં સમાજ સેવિકા સઈદાબાનુ આ સોનાના દાગીના તેમજ મોબાઈલ સાથેની બેગ લઈ છૂમંતર થઈ ગઈ હતી. આમ વિધવા સહાય અપાવવાના બહાને રૂ. ૧,૧૯,૫૦૦ની છેતરપિંડી કરી હતી.

આ બનાવ અંગે વિનોદચંદ્ર સાંકલચંદ્ર સુથારની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:35 pm IST)