Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

નડિયાદ હાઇવે પર ભાડાના બાબતે કાર ચાલકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો

નડિયાદ: એક્સપ્રેક્સ વે પર ગત તા.૮ મે ના રોજ બનેલ હત્યાના પ્રકરણને ઉકેલવામાં આખરે ખેડા પોલીસને સફળતા મળી છે. માત્ર રૂ.૨૦૦ના નજીવા ભાડાની તકરારમાં જ આરોપીઓ દ્વારા કાર ચાલકની હત્યા કરી દેવાઇ હોવાની વાતને ખુદ જિલ્લા પોલીસ વડા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. મહત્વની વાત છ ેકે ગઇકાલે ‘સરદાર ગુર્જરી’ દ્વારા એ થીયરી પર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એક્સપ્રેક્સ હાઇવે પર થયેલ હત્યા પ્રકરણમાં આરોપીઓએ નજીવા ભાડાની તકરારમાં કાર ચાલકની હત્યા કરી હોઇ શકે છે.


નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેક્સ વે પર ગત તા.૮ મેના રોજ બરોડાના સંજય ચાંગ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે ઘટનામાં તપાસ કરી રહેલી ખેડા પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ માટે સારી અને નસીબદાર બાબત એ રહી કે ઘટનાના એક કલાક બાદ શહેરના કિશન સમોસાના ખાંચામાં આવેલ અક્ષર ટાઉનશીપમાંથી પોલીસને એક આરોપી દિનેશને ઝડપી પાડવામાં સફળતા મળી. પિસ્ટલ સાથે ઝડપાયેલા દિનેશ રામખેલાડી યાદવને પોલીસે યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ કરતા પહેલા તો તેણે પોલીસને ઊંધા પાટે દોડાવી હતી. પરંતુ બાદમાં તે પોલીસને શરણ થઇ ગયો હતો, અને પોતાનો ગુનો કબુલ કરવા ઉપરાંત તેણે પોતાના સાથીદારો અંગે પણ માહિતી આપતા પોલીસે અન્ય બે આરોપીઓને હત્યાના ગુનામાં ઝડપી પાડ્યા છે.

(4:35 pm IST)